ગાંધીનગરમાં 7138 ચોરસ મીટરમાં નિર્માણ થનાર કોર્ટ ભવનનો શિલાન્યાસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચર નિર્માણથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસાવેલી પરિપાટીને ગુજરાત અવિરત વિકાસ કામોથી આગળ ધપાવી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જ્યુડીશીયલ ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના માર્ગે આગળ વધી છે. ગાંધીનગરમાં નિર્માણ થનારી નવી ડીસ્ટ્રિક્ટ કોર્ટના ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. આ નવી ડીસ્ટ્રીક્ટ કોર્ટનું ભવન બે બેઝમેન્ટ પાર્કિંગ અને ૭ માળ સહિતની અધ્યતન સુવિધા સાથે રૂપિયા ૧૩૬ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થવાનું છે.
ભૂપેન્દ્ર પટેલે આ ભવનના શિલાન્યાસ સાથે અમદાવાદમાં લો ગાર્ડન, ધૂલિયા કોટમાં ન્યાયિક રહેણાંક મકાનોનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. કાયદામંત્રી ઋષિકેશ પટેલ, સપ્રીમ કોર્ટના જજ એમ. આર. શાહ, સુશ્રી બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટના એક્ટીંગ ચીફ જસ્ટીસ એ. જે. દેસાઈ, એડવોકેટ જનરલ કલમભાઈ ત્રિવેદી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધિશો કાયદાવિદો અને અગ્રણી વકીલો આ અવસરના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું કે, ન્યાયપાલિકા, ધારાસભા અને બ્યૂરોક્રેસી ત્રણેય અંગોની એનર્જી લોકતંત્રને ગતિશીલ અને વિકાસશીલ રાખે છે. ન્યાયપાલિકાનું એક આગવું સ્થાન અને મહત્ત્વ છે. ત્યારે ન્યાયતંત્રને જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચરથી સુસજ્જ બનાવવાની આપણી નેમ છે. આ વર્ષે રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા ૩ લાખ કરોડનું બજેટ સરકારે આપ્યું છે અને તેમાં ઈન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો વિકાસ પંચસ્થંભમાં સમાવેશ કર્યો છે. કાયદા વિભાગને વધુ સુવિધાસભર બનાવવા રૂપિયા ૨૦૧૪ કરોડની જોગવાઈ ન્યાયતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સરકારે કરી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
ન્યાયતંત્રમાં કામ કરતા ન્યાયમૂર્તિઓ અને તેમના સહાયક સ્ટાફ ઉત્તમ રીતે કામ કરી શકે તે માટેનું સારું પ્લેટફોર્મ આપવું અને આધુનિક સુવિધાની સાથે તેમના પરિવારને રહેવાની પણ ઉત્તમ સુવિધા આપવા માટે આ સરકાર કટિબદ્ધ છે. આ ઉમદા કાર્યને સાર્થક કરવા ચાલુ વર્ષના નાણાકીય બજેટમાં ન્યાય પ્રણાલીની સુવિધાઓ માટે રૂપિયા ૨,૦૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં તાલુકા, જિલ્લા કોર્ટને અધતન સુવિધાઓ અને ટેકનોલોજી માટે જરૂરી ઉપકરણોથી સજ્જ કરાશે જેથી કોર્ટમાં આવતા અરજદારો અને વકીલઓને પણ સુવિધાઓનો લાભ મળશે.
ભારતીય સુપ્રીમ કોર્ટના જજ એમ. આર. શાહે કહ્યું હતું કે ગાંધીનગરના ન્યાયતંત્ર માટે અનોખો દિવસ છે. સમગ્ર દેશમાં ગુજરાત સરકારે ન્યાયતંત્ર માટે શ્રેષ્ઠ આધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ઉત્તરપ્રદેશથી ઉચ્ચ ન્યાયાલયના અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં કોર્ટોની માળખાગત સુવિધાઓના અભ્યાસ માટે આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આધુનિક સુવિધાઓથી પ્રભાવિત બનીને આ ટીમે જ્યારે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ રજૂ કર્યો ત્યારે ત્યાંની સરકારે પણ પ્રથમ તબક્કામાં ૧૦ જિલ્લાની કોર્ટમાં ગુજરાત જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. નાગરિકો કોર્ટને ન્યાય મંદિર માને છે ત્યારે તેમનો વિશ્વાસ ટકી રહે તેવા આપણે હંમેશા વધુ પ્રયાસો કરવા પડશે.
ભારતીય સુપ્રીમ કોર્ટના જજ બેલાબહેન ત્રિવેદીએ નવીન ન્યાય મંદિરના ભૂમિ પૂજન પ્રસંગે કહ્યું હતું કે, કોઈપણ ઇમારતનો પાયાનો પથ્થર જેટલો મજબૂત હશે, તેટલી ઈમારત વધુ મજબૂત બનશે અને અને આ તો ન્યાય મંદિર છે, એટલે તેની પવિત્રતા પણ એટલી જ જરૂરી છે. લોકતંત્રના પાયામાં ન્યાય તંત્ર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર ન્યાયતંત્રને તમામ માળખાગત સુવિધા ઉપલબ્ધ કરવા હંમેશા તત્પર રહી છે, ત્યારે આ ન્યાય મંદિરની ભવ્યતામાં ન્યાયરૂપી દિવ્યતા પુરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ મુખ્ય જજ એ. જે. દેસાઈએ કહ્યું હતું કે ગાંધીનગર શહેરના મધ્યમાં આધુનિક જિલ્લા કોર્ટનું નવીન ભવન તૈયાર થવાથી તમામને વધુ સુગમતા રહેશે. નવીન કોર્ટમાં કુલ આઠ માળમાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત નવીન કોર્ટમાં એડીઆર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરની વચ્ચે લો ગાર્ડનમાં ૨૦૦થી વધુ રહેણાંકના મકાનો એક જ જગ્યાએ તૈયાર થવાથી જજીજ સહિત સ્ટાફને રહેવાની ખૂબ જ સારી અને સુરક્ષિત વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ગાંધીનગરના ઘારાસભ્ય રીટાબહેન પટેલ, ગુજરાત હાઇકોર્ટના સિનીયર જજ એન. વી. અંજરિયા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, કાયદા વિભાગના સચિવ પી. એન. રાવલ, હાઇકોર્ટના જજ, ગાંધીનગર જિલ્લાના વહીવટી જજ એ. એસ. સુપૈયા, બાર એસોસિએશના પ્રમુખ અને સભ્યો, આમંત્રિત મહાનુભાવો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here