ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ્સ : રણબીર કપૂર, આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટરનો એવોર્ડ

ડબલ સેલિબ્રેશનનો સમય હોય એમ અભિનેતા અને લોકપ્રિય બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. રણબીરને એક્શન થ્રિલર ફિલ્મ ‘એનિમલ’માં તેના અભિનય માટે મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (પુરુષનો એવોર્ડ મળ્યો છે. આલિયાને રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેના અભિનય માટે મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (સ્ત્રી)નો એવોર્ડ મળ્યો. આ કપલ સ્ટેજ પર તેમની ટ્રોફી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ‘એનિમલ’ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એક્ટર સહિત 19 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ‘એનિમલ’ 2023ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક હતી. જો કે, દુષ્કર્મના તેના કથિત નિરૂપણ માટે તેની ટીકા પણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે ઘણા ચાહકોને ઉત્સાહિત કર્યા કારણ કે તેમાં પોસ્ટ-ક્રેડિટ સીન હતું,
જેમાં ‘એનિમલ પાર્ક’ નામની સિક્વલને ટીઝ કરવામાં આવી હતી, જેમાં રણબીર સંભવિતપણે ડબલ રોલમાં હશે. ‘એનિમલ’ એક મુશ્કેલીમાં મૂકાયેલા પિતા-પુત્રના સંબંધોની આસપાસ ફરે છે અને તેમાં રણવિજય સિંહની ભૂમિકામાં રણબીર છે, જે તેના પિતાની હત્યાના પ્રયાસ પછી બદલો લેવા જાય છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 800 કરોડથી વધુની કમાણી કરી હતી.
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, કરણ જોહર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને તેમાં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ રોકી રંધાવા (રણવીર), એક પંજાબી બિઝનેસમેન અને રાની ચેટર્જી (આલિયા ભટ્ટ) એક બંગાળી પત્રકારની આસપાસ ફરે છે, જેઓ તેમના મતભેદો અને પારિવારિક વાંધાઓ હોવા છતાં પ્રેમમાં પડે છે. તેઓ લગ્ન કરતા પહેલાં ત્રણ મહિના માટે એકબીજાના પરિવાર સાથે રહેવાનું નક્કી કરે છે. આલિયા અને રણબીર હવે પછી સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’માં સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે.