ગાંધીનગરમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ

0
565

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતાં. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીગનર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતાં અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતાં. મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી તેને વડાપ્રધાને નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ નામ આપ્યું છે. અહીં તેમણે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. તેમણે અત્રે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ઇ-સંવાદ કરી દીક્ષા એપ અંગે સવાલો કર્યા હતાં. વડાપ્રધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. વડાપ્રધાન દ્વારા ટેક્નોલોજીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો તે અંગે સવાલ કર્યો હતો. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં  મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાને સીધો ઇ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન ખેલદૂક અંગે ટકોર કરતાં કહ્યું હતું કે, ચાર્ટમાં ફિઝિકલ એક્ટિવિટી માટે કંઇ નથી. નવી શિક્ષણ નીતિમાં ખેલકૂદ વધારાની પ્રવૃત્તિ નથી રહી. કાર્યક્ર દરમિયાન વિદ્યાર્થીઓના પોષણ પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સીધા જ રાજભવન પહોંચ્યા હતાં. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર થકી મોબાઇલ-ટેબ્લેટથી વીડિયો કોલિંગ દ્વારા વિદ્યાર્થીઓને અત્યારે કયા વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યો છે એની ચકાસણી પણ થાય છે. વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે, જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી એનું સીધું નિરીક્ષણ થાય છે. વિદ્યાર્થીના ભણતરને વધુમાં સુચારૂ અને સુદઢ બનાવી શકાય એ મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કામ કરે છે.