ગાંધીનગરમાં કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહોનું લોકાર્પણ

ગાંધીનગરઃ ગાંધીનગરમાં જાણીતા કવયિત્રી અને લેખિકા બીના પટેલના બે કાવ્યસંગ્રહોનું લોકાર્પણ પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મ શ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિષ્ણુભાઈએ જણાવ્યું કે, બીનાબહેનની કવિતાઓ ખૂબ જ ગૂઢ અને માર્મિક છે. અર્થસભર કવિતાઓ વાંચીને તેઓને ઘણો આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ બીનાબહેનને આગામી સમયમાં પ્રકાશિત થનારી તેઓની બે નવલકથા માટે આગોતરી શુભકામનાઓ પણ આપી હતી.
અતિથિવિશેષનું પદ શોભાવનાર ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ રમેશભાઈ ઠક્કરે પ્રાસંગિક વક્તવ્ય સાથે બીનાબહેનને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે ,સારા અને સાચા સાહિત્યપ્રેમીઓને આ પ્રસંગે બોલાવીને આપે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે.
ગુજરાતી કાવ્યસંગ્રહ ‘સંવેદનાની સફર’ અને ‘હિન્દી કાવ્યસંગ્રહ’वो બન્ને પુસ્તકમાં કાવ્યો દ્વારા કવયિત્રી બીના પટેલે પોતાના જીવનની અનોખી સર્જનયાત્રાના કેટલાંયે અનુભવોને શબ્દદેહ આપીને કાવ્યો સર્જ્યા છે.
અંદાજે ૧૮ જેટલી ફિલ્મોમાં મહાત્મા ગાંધીબાપુનું પાત્ર ભજવીને દુનિયાભરની વાહવાહી મેળવી ચૂકેલા દીપક અંતાણીએ અભિનયકલામાં જ નહીં, સાહિત્યમાં પણ મહિલાઓ રસ લે છે એ વાત જાણી આનંદવ્યક્ત કર્યો હતો. પુસ્તક વિમોચનના આ અવસરે સાહિત્યરસિકો કિશોરભાઈ ઝીકાદરા, હિમાંશુભાઈ, જીગ્નેશભાઈ પંચાલ, જૈમિનિભાઈ શાસ્ત્રી, પ્રકાશભાઈ ઉપાધ્યાય, અલ્પેશભાઈ શાહ, કૌશલ પટેલ અને ભૂમિબહેન તેમજ કેટલાંક લેખકો, કવિઓ અને વિવેચકોએ પણ હાજર રહ્યા હતાં.