ગાંગડુ માણસ એટલે…

0
961

(ગતાંકથી ચાલુ)
કઠોળના કેટલાક દાણા એવા હોય છે કે જે પલળે કે બફાય તોય નરમ ન જ પડે. ગાંગડુ મગ, ચણા, વટાણા કે વાલ ભારે લઘુમતીમાં હોય છે એથી ગૃહિણીનું કામ અટકતું નથી. કેટલાક માણસો પણ ગાંગડુ હોય છે. દુર્યોધન ગાંગડુ માણસ હતા. તમારી આસપાસ નજર કરશો તો જરૂર તમને એક ગાંગડુ નમૂનો મળી આવશે. ગાંગડુ માણસ વિઘ્નસંતોષી હોય છે.
તમે જરૂર કોઈ રીઢા સરકારી કર્મચારીને મળ્યા હશો, જે તમારું વાજબી કામ પણ પૈસા લીધા વિના નહિ કરી આપે. એ ગાંગડુ કર્મચારી માણસ જેવો દેખાય છે, પરંતુ અંદરથી માણસ નથી હોતો. એને ચાર પગ નથી હોતા એથી શું? એ ગાંગડુ કર્મચારી ફાઈલમાં ડોકિયું કરે તોય એને ફાઈલના કાગળ પર અંકિત થયેલા કોઈ અજાણ્યા માણસનો ચહેરો નથી દેખાતો.
આવા એક ગાંગડુને કારણે આખી ઓફિસ ગંધાઈ ઊઠે છે. એવા કોઈ દુર્યોધનને તમે રુશવત આપો કે તરત તમારું કામ પતી જાય છે. ભારતમાં ઓફિસે ઓફિસે દુર્યોધન હાજર હોય છે. ગાંગડુ કર્મચારી કોને કહેવો? કોઈ વાજબી કામ વિલંબ વિના પતી જાય ત્યારે જેના પેટમાં ચૂંક ઊપડે એને ગાંગડુ કર્મચારી જાણવો. (અણ્ણા હઝારેને આવા અસંખ્ય દુર્યોધન ગાંઠશે?) બધો આધાર લોકોની ખુમારી પર છે.
થીજી ગયેલાં હૈયાંના મનુષ્યોને જોઈને ક્યારેક સીધી લીટીનો માણસ સૂન મારી જાય છે. ભદ્ર માણસ ક્યારેક ગાંગડુ આદમીને પણ ભદ્ર માની બેસે છે. એ સાવ નિખાલસ બનીને પોતાની બધી વાત એ લુચ્ચા માણસને કહી દે છે. વખત વીતે પછી એ બદમાશ માણસ પોતાની જાત પર જાય છે અને પેલા સજ્જનને બ્લેકમેઇલ કરે છે. આજના જમાનામાં બ્લેકમેઇલથી ચડિયાતું કોઈ પાપ નથી. બ્લેકમેઇલ કરનાર દુર્જનની વાત સાચી હોય તોય એને પાપી જ ગણવો જોઈએ. ટપાલમાં મળેલો નનામો પત્ર વાંચવો એ પણ ગુનો છે. એ પત્ર અન્યને વંચાવવો એ મોટો ગુનો છે. એ પત્રને આધારે ચાર માણસ વચ્ચે ચર્ચા કરવી એ પાપ છે. વળી, જેની વિરુદ્ધ એ પત્ર લખાયો હોય એવા સજ્જન પાસે જઈને એ પત્રની વાત કાઢીને મોટાઈ મારવી એ મહાપાપ છે. નનામો પત્ર લખવો એ અપરાધ છે. લંકાના પાદર પર યુદ્ધ થયું ત્યારે રાવણપુત્ર ઇન્દ્રજિત અદશ્ય રહીને વીર લક્ષ્મણ પર તીર છોડતો હતો. ઇન્દ્રજિત લક્ષ્મણને જોઈ શકે, પરંતુ લક્ષ્મણ ઇન્દ્રજિતને જોઈ ન શકે! નનામો પત્ર લખનાર અદશ્ય રહીને તીર છોડે છે. પત્ર પામનાર માણસ એને ઓળખી ન શકે. લક્ષ્મણ લાચાર છે. પરિણામે લક્ષ્મણ મૂર્છિત થાય ખરો, પરંતુ આખરે તો રાવણનો જ પરાજય થાય છે. આ છે નિયતિનું સત્ય!
કવિ, કલાકાર અને વિજ્ઞાની આધુનિક યુગના ખરા બ્રાહ્મણો ગણાય. કોઈ ખરા બ્રાહ્મણને શારીરિક કે માનસિક ત્રાસ આપવો એ જ આજના યુગની બ્રહ્મહત્યા ગણાય. ગાંગડુ માણસ આવી હત્યા રોજ કરતો રહે છે. રોજ સમાજમાં કોઈ દુર્યોધન શાંતિપૂર્વક જીવતા ઇચ્છતા યુધિષ્ઠિરને પરેશાન કરતો રહે છે. મનમાં સતત ખેલાતા મહાભારતના યુદ્ધની વચાળે ઊભેલા દિવ્ય રથમાં કૃષ્ણ બેઠા છે. કર્મના કુરુક્ષેત્ર પર ઝઝૂમતી વખતે આપણી નજર સ્વસ્થ અને આત્મસ્થ એવા કૃષ્ણ પર હોવી જોઈએ.
તમે સફળ થઈ રહ્યા છો એની કોઈ નિશાની ખરી? હા, તમે જેનું કશુંય બગાડ્યું ન હોય, તમે જેને ઓળખતા પણ ન હો અને તમે જેને ક્યારેક દૂરથી પણ ભાળ્યો ન હોય એવો કોઈ માણસ ખાઈખપૂસીને તમારી પાછળ પડી જાય તો અચૂક માનવું કે તમે સફળ થઈ રહ્યા છો. તમારા જીવનમાં આવો કોઈ ગાંગડુ તમને નડવા માટે સતત મથી રહ્યો છે? નસીબદાર છો બરખુરદાર! કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વિના તમારી આવી ફુલટાઇમ ચાકરી બીજું કોણ કરે? એ ગાંગડુ ઈર્ષ્યાળુ છે કે દયાળુ? વિચારવું રહ્યું.
એક ગાંગડુ માણસ ક્યારેક સમગ્ર કુટુંબને, ગામને કે દેશને નચવે છે. વેદ-ઉપનિષદમાં ભદ્રતાનો મહિમા થયો છેઃ ‘આપણા કાન સદાય જે ભદ્ર હોય એ સાંભળે. આપણી આંખ જે ભદ્ર હોય તે જુએ.’ ગાંગડુ માણસનું એનાથી ઊલટું! એના કાને જે અભદ્ર હોય એ જ પડે. એની નજરે જે અભદ્ર હોય એ જ દેખાય. આવી અવળચંડાઈ વિનાની કોઈ સદી માનવ-ઇતિહાસમાં વીતી હશે ખરી?
ક્યાંક તમને કોઈ ગાંગડુ ભેટી જાય તો શું કરવું? સંત તુલસીદાસે રસ્તો બતાવ્યો છે. એમણે કહ્યું છેઃ ‘અસંતથી દૂર ભાગો.’ ગાંગડુ માણસ સાથે જીભાજોડી કરવામાં સાર નથી. એની પાસે થોભવામાં પણ સાર નથી. માણસ જેમ દુર્ગંધથી દૂર ભાગે એમ એણે દુર્જનથી દૂર ભાગવું જોઈએ. એની દુર્જનતા દૂર કરવાની જવાબદારી તમારી નથી. એનાં કર્મો જ એને સીધો કરશે. મુસોલિની જેવા દુષ્ટ શાસકનું શબ રસ્તે પડ્યું હતું ત્યારે નગરની એક ડોશી એના પર થૂંકી હતી. હિટલરને આત્મહત્યા કરવી પડી હતી. સદામ હુસેન જમીનના નાના ખાડામાં છુપાયો હતો અને પકડાઈ ગયા પછી ફાંસીને માંચડે લટકીને મર્યો. ગદ્દાફી ગટરના નાળામાં સંતાયો અને એણે જીવવા માટે ભીખ માગી તોય મર્યો.

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.