ગરીબ નવાજ અવધૂત દલાબાપાની જગ્યા

નડિયાદ શહેરનું નામ સાંભળતાં આપણા સ્મરણ પર કેટલાંક સ્પંદનો સાથે ભાવચિત્રો ખડાં થઈ જાય છે. પ્રથમ નડિયાદ એટલે પુરાણું ‘નટપુર’ જ્યાં નટકલાકારો રહેતા અને તેમની કલા ગુજરાત સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશભરમાં પ્રદર્શિત કરતા. પછી સ્મરણપટ્ટી પર ઉદ્​ભવે સંતશિરોમણિ પ્રાતઃસ્મરણીય, દત્તાત્રેય અવતાર શ્રી સંતરામ મહારાજ અને તેમનું મંદિર, જ્યાં મહારાજશ્રીની અખંડ જ્યોત સાક્ષાત્ પ્રજ્વલિત છે, તેમના ચરણકમળ સદા પાવન કરતાં વિદ્યમાન છે. એ સાથે ઉછાળો મારે ભારતરત્ન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમનું આ જન્મ અને વિદ્યાસ્થાન છે.

વળી સ્મૃતિપટ પર ગુજરાતી સાહિત્યના મહાકાવ્યસમા ‘સરસ્વતીચંદ્ર’ના રચયિતા ગોવર્ર્ધરામ ત્રિપાઠી અને તે સાથે અનેક કવિ, લેખકો, સાહિત્યકારો સ્મૃતિપટ પર ઉદ્​ભવતાં નડિયાદનું રૂપાળું વિશેષણ યાદ આવે ‘સાક્ષરનગરી’ તો વળી ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સંત-સેવકને કેમ ભુલાય? આવા વિવિધ સ્મરણભાવપ્રદેશમાં એક વધુ નામ ચમકી ઊઠે છે, ‘ગરીબ નવાજ અવધૂત દલાબાપાની જગ્યા’ જે મરીડા ભાગોળ, દરવાજાને અડીને આવેલી છે. સ્મૃતિ થાય છે કે એ રસ્તે જતાં આ સ્થાને અગાઉ ભીંત પર એક મોટો 15-20 ફૂટ લાંબો નાગ ચીતરેલો જોવા મળતો. ચાલો, આજે આ દલાબાપાના પુણ્ય સ્થાનની માહિતી મેળવીએ. મરીડા ભાગોળ વિસ્તાર એટલે એક સમયનો અતિ પછાત, લગભગ નિર્જન, ઝેરી જીવજંતુઓનું નિવાસસ્થાન, સાથે ચોર-લૂંટારાઓનું આશ્રયસ્થાન! નડિયાદને ‘નવ’ સંખ્યા સાથે ગાઢ પ્રીતિ છે, ઇતિહાસ કહે છે નવ દરવાજા, નવ ભાગોળો, નવ તળાવ, નવ સિનેમાગૃહો વગેરેથી શોભતું આ નગર છે. નગરજનો પણ નવીનતા, સાથે ધર્મ ભક્તિ, સાહિત્ય, સંગીત, વોર એન્ડ પીસ, નેતા, અભિનેતા વગેરેથી રંગાયેલા આજે પણ છે.

શ્રી દલારામ બાપાની જગ્યાના સ્થાપક અને સર્વેસર્વા એવા દલાબાપાના જીવનના ભૂતકાળમાં પ્રવેશીએ તો જાણવા મળે છે કે, તેઓ પ્રથમ નગરપાલિકામાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આમ પણ સંત-મહંતો ઉપદેશ, જ્ઞાનામૃત દ્વારા શિક્ષણ જ આપે છે ને! પરંતુ એક કહેવત છે ‘હોનહાર બિરવાન કે હોત ચિકને પાત!’ અર્થાત્ ‘જે મહાન આત્મા છે, તે સાંસારિક બંધનોમાં રહી શકે જ નહિ,’ કારણ કે તેના મનોપ્રદેશના ચીકણાં પાંદડા સદા આપવા-વરસવા-છાંયડો આપવા લહેરાતાં હોય છે. કહેવાય છે કે આ શિક્ષક ખોરડાને એક વેળા આદ્યશક્તિ ખોડિયારમાતાએ સોળ વર્ષની બાળ કન્યારૂપે દર્શન આપ્યાં હતાં. માતાએ બાલિકારૂપે આ જ સ્થળે (કે જ્યાં દર્શન થયાં હતાં તે, મરીડા દરવાજાની બાજુમાં નિર્જન-વેરાન ભૂમિ) પડાવ નાખવાનો આદેશ આપ્યો. સંતબીજને માતાની કૃપાનું જળ મળ્યું. દલારામ શિક્ષકે તત્કાલ શિક્ષકની નોકરી છોડી. હતા તો સંસારી, પણ સંસારમાળો પડતો મૂકી પંખી ઊડી જાય, તેમ સંસારમાં રહી સંસાર, વિરક્તિ સ્વીકારી લીધી. ત્યાર પછી સંત-સાધુ બનવાના જે ધાર્મિક ક્રિયાકાંડ હોય તેમાં જોડાયા, ગીરનાર ભ્રમણ, શિક્ષા-દીક્ષા આદિ મેળવી આદ્યશક્તિ માતાએ આપેલા આજ્ઞાસ્થળે પરત આવ્યા.

જ્યાં સંત વસે ત્યાં સંતસ્થાન, ધર્મસ્થાન બને! ધીરે ધીરે નિર્જન સ્થળ પરથી દુર્જન ખસ્યા અને સજ્જનો આવવા લાગ્યા. આ વાત છે 40-50 વર્ષ પહેલાંની! યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજને તેઓ મળ્યા અને તેમના સાથ, સહકાર, આશીર્વાદ મળ્યા અને દલારામ બાપાનું આ સ્થાન બન્યું ‘દલારામની જગ્યા’. દલારામ બાપા હતા તો ઉચ્ચ કોટિના અવધૂત, જેમાં સંતના સદ્ગુણોનાં ધીમે ધીમે લોકોને દર્શન થવા લાગ્યાં, પછી તો શરૂ થયા સંતમેળાવડા, સંતસભા ભજન-કીર્તન-કથા-સત્સંગ! લોકો પણ સંત અને સ્થાનનું મહત્ત્વ સમજી આવી દર્શન, ભક્તિ, સેવા, સત્સંગનો લાભ લેવા લાગ્યા. ધર્મસેવા સાથે સમાજસેવા શરૂ થઈ. દલિત પછાત બાળકોને પુસ્તકો તથા શિક્ષણ, સાહિત્ય આપવું. ભૂખ્યાઓને જમાડવા, અન્નક્ષેત્ર, શીતળ જળ (પાણીની પરબ), મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, ગરીબોને આર્થિક સહાય, ગરીબ કન્યાઓનાં લગ્ન, સમૂહલગ્નો વગેરે સેવાકાર્યો શરૂ થયાં. દલાબાપા લોકોને બિનજરૂરી ખર્ચમાંથી બચવા, સમૂહલગ્નમાં સંતાનો પરણાવવા, સંતાનોને ભણાવવા, કન્યાશિક્ષણ આપવા વગેરે માટે સમજાવવા, ઉપદેશ આપવા લાગ્યા. એ રીતે પછાત વર્ગમાં જનજાગૃતિ લાવવાનું સમાજસેવા કાર્ય શરૂ થયું. ‘રામની ચીડિયા, રામકા ખેત, ખાઓ ઓ ચીડિયા ભર ભર પેટ’ના નાનક-ન્યાયે  આવતાં નાણાં વપરાતા અને સેવાકાર્યો ચાલતાં હતાં.

દલાબાપાની આ ધર્મ સાથેના સમાજસેવા યજ્ઞની નોંધ લઈ રાજ્ય સરકારે ‘ડો. આંબેડકર એવોર્ડ’ દ્વારા બાપાનું સન્માન કર્યું, શાલ ઓઢાડી અને રૂપિયા એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. સેવાકાર્ય વિસ્તરતાં ગુજરાત સરકારે સહાયરૂપ થવા આ આખી સેવાભૂમિ (દલાબાપાની સંપૂર્ણ જગ્યા)માં અર્પણ કરી, જે પ્રથા આજે પણ ચાલે છે. સરકારની દષ્ટિ સંતુષ્ટ થતાં સરકારી પ્રતિનિધિ, અફસરો, નેતાઓ, સમાજસેવકો વગેરે પણ આવતા-જતા થયા, તે સાથે ભક્ત સમુદાય પણ વિસ્તરતો ગયો. પછી તો બાપા ધર્મ પ્રચારાર્થે રાજ્યભરમાં ફરવા અને ધર્મ-સ્થાનોનાં આમંત્રણ પર ધર્મ-સેવા-શિબિરો ગજાવતા થયા. આકાશના તારા ગણાય? ટોપલીમાં ભરાય? બસ, તેમ જ દલાબાપાનાં ધર્મ, સમાજ, સેવાકાર્યોનું પૂર્ણ વર્ણન થઈ શકે?

જ્યાં દિવ્ય પુરૂષો વસતા હોય ત્યાં તે સ્થાનો દિવ્ય બને છે, તેમાં દિવ્યતા આવતી જાય છે. સંતો કયા ચમત્કાર કરે છે, અને કરે પણ શા માટે? તેમની સેવા-સદ્​ભાવ, ધર્મભાવ જ ચમત્કાર સર્જવા માંડે છે. અહીં આ સ્થળે એવા દિવ્ય ચમત્કારો જોવા મળે છે.

માતા ખોડલનો વડઃ જેમ કબીરે વડનું દાતણ  રોપ્યું અને નર્મદાતટે કબીરવડ થયો, તેમ દલાબાપાએ વડનું બીજ (ટેટો) રોપ્યો ત્યાં નાનકડો વડ થયો. ધીમે ધીમે વડ મોટો અને સમૃદ્ધ થવા લાગ્યો, પણ ચમત્કારિક રીતે, ત્રિશૂળની ત્રણ પાંખની જેમ ત્રણ ભાગમાં વડવાઈઓ, નાનકડા થડમાંથી પ્રગટવા માંડી. એ વડવાઈઓ નીચે ઉઊરી વડસ્તંભ રૂપે ત્રણ સમૂહમાં જમીનમાં જડાઈ ગઈ. આજે પણ તે વિદ્યમાન છે અને એ અદ્​ભુત વડનાં દર્શન કરવા જનસમુદાય આવે છે. આ વડને લોકો ‘માતા ખોડલનું ત્રિશૂળ સ્વરૂપ’ માને છે. તેનાં દર્શન કરી માતા ખોડિયારનાં સાક્ષાત્ દર્શન કર્યાનો સંતોષ મેળવે છે.

ભાથીજી મહારાજનો લીમડોઃ આ લીમડો બાપાએ આ સ્થાને વસવાટ કર્યો ત્યારે, લગભગ 50 કરતાં વધારે વર્ર્ષ પહેલા રોપ્યો હતો. સમય સાથે લીમડો પણ વિકસતો ગયો, પરંતુ કેવી રીતે? આ છે આ સ્થાનનું બીજું અદ્​ભુત વૃક્ષ.

સરોવર, તરુવર, સંતજન ચોથો વરસે મેહ!

પરમારથ કે કારણે ચારોને ધરિયા દેહ!

આ લીમડો વધીને આકાશને આંબવા ઊંચે જવાને બદલે દલાબાપાને ચરણવંદના કરવા ઇચ્છતો હોય, તેમ તેની ડાળિયો ભૂમિ તરફ ઝૂકવા લાગી અને જમીન પર તેની લીલીઘટા પ્રસરવા લાગી. બાપાના બેઠકના આસનની ચારે બાજુ પ્રસરી, વિસ્તરી, મંડપરૂપે લીમતરુ ઠંડો-મીઠો છાંયડો આપવા લાગ્યો. અહીં પણ બાપાને આ તરુવરમાં ભાથીજી મહારાજનાં સૂક્ષ્મ દેહનાં દર્શન થયા, જેથી તેમને આ લીમડાને ‘ભાથીજી મહારાજનો લીમડો’ નામ આપ્યું. એક ભક્તરાજે તો ચેલેન્જ ફેંકી છે, આવો બીજો કોઈ લીમડો મને બતાવો તો અમુક હજાર રૂપિયાનુ ઇનામ આપવામાં આવશે. હજી કોઈએ આવું વૃક્ષ બતાવ્યું નથી.

ભાથીજી મહારાજ એટલે ઝેરી જીવોના ત્રાસમાંથી મુક્ત કરનાર દેવ! આ સ્થળે ભાથીજી મહારાજનું નાનું મંદિર છે. કોઈ ઝેરી જાનવર કરડતું તો તેવા દરદીને અહીં લાવવામાં આવતા. બાપા ભાથીજી મહારાજને વંદન કરી ઝેર ચૂસી લેતા. પછી દિવ્યતા વધતાં તેઓ સ્પર્શ કરી ઝેર ઉતારતા. વર્તમાન વિજ્ઞાનયુગમાં તે કામ ડોક્ટરો દવા-મેડિસીનથી કરે છે. વળી, જેની સફળતાની કોઈ ગેરન્ટી નથી, તેવા સમયે આ સ્થળે દરદી અહીંથી સાજો થઈને જ પરત જાય છે. કોઈ દરદી અહીંથી દવા કર્યા પછી મર્યો નથી.

જેને કેવળ નિષ્કામ સેવા કરવી છે, જેને સેવાના વળતરમાં કશું જ મેળવવાનો સંકલ્પ નથી, જે પોતાની શક્તિને ઈશ્વરદત્ત માને છે, તેવા સંત-પુરુષો, અવધૂતો, ઓલિયા આજે પણ આ પૃથ્વી પર વિચરે છે અને તેથી જ ધર્મ-અર્થ-કામ-મોક્ષની ભાવના સાથે ભક્તો અને સજ્જનો સુખ, શાંતિ, ભક્તિભાવે જીવે છે.

 

લેખક કેળવણી કાર છે.