ગરીબોનું કલ્યાણ એ જ મારું લક્ષ્ય: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

છત્તીસગઢઃ બિહાર સરકારે જ્યારથી જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે ત્યારથી પટનાથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા કેટલાક લોકો જાતિ ગણતરીના પગલાને નીતીશકુમાર અને વિપક્ષનો માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે તો કેટલાક તેને શાસક ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીનું કારણ ગણાવી રહ્યા છે. જાતિની વસ્તી ગણતરીના આંકડા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પોતાના કાર્ડ જાહેર કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢના જગદલપુરમાં જાતિ ગણતરીનું નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ જાતિ ગણતરી રદ કરવા માટે ઈન્દિરાનું જ ગરીબ કાર્ડ રમ્યું છે અને હિંદુઓના અધિકારની વાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસે હવે એક નવો રાગ આલાપવાનું શરૂ કર્યું છે. જેટલી વસ્તી એટલા વધારે અધિકાર.
તેનાથી સ્પષ્ટ થાય છે કે તે દેશવાસીઓ વચ્ચે પરસ્પર અણબનાવ અને દુશ્મનાવટ વધારવા માંગે છે. હું કહું છું કે આ દેશમાં જો કોઈ સૌથી મોટી વસ્તી છે તો તે ગરીબોની છે. સાચી વાત એ છે કે જો આપણે અધિકારોની વાત કરવી હોય તો હું કહીશ કે આ દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર ભારતના ગરીબોનો છે. ગરીબોનું કલ્યાણ એ જ મારું લક્ષ્ય છે.
વિપક્ષની વ્યૂહરચનાનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી મોદી એ જ કાર્ડ રમ્યા, જે એક સમયે ઈન્દિરા ગાંધીએ રમ્યા હતા. ઈન્દિરા ગાંધીએ 1971ની સામાન્ય ચૂંટણીમાં ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો હતો. કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ ઈન્દિરા ગાંધીએ વર્ષ 1969માં એક નવો પક્ષ બનાવ્યો, જેનું નામ નવી કોંગ્રેસ(ઈન્દિરા કોગ્રેસ) હતું.
ઈન્દિરા ગાંધીએ નવો પક્ષ બનાવ્યો તે પછીની આ પહેલી ચૂંટણી હતી અને તેને કોંગ્રેસના બે જૂથો વચ્ચેની કટ્ટર હરીફાઈ માનવામાં આવતી હતી. એસ. નિંજલિગપ્પાની આગેવાની હેઠળની (જૂની)કોંગ્રેસ પાસે મોરારજી દેસાઈ અને કામરાજ જેવા સિન્ડિકેટ નેતાઓ હતા. આ કોંગ્રેસે ચૂંટણીમાં ‘ઇન્દિરા હટાવો’નો નારો આપ્યો હતો. કોંગ્રેસના ‘ઇન્દિરા હટાવો’ના નારાના જવાબમાં ઈન્દિરાની કોંગ્રેસે ‘ગરીબી હટાઓ’ સૂત્ર આપ્યું હતું.
ત્યારે ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું ક,ે તેઓ ઈન્દિરાને હટાવવાની વાત કરે છે અને હું ગરીબી દૂર કરવાની વાત કરું છું. જનતાએ નક્કી કરવાનું છે. જ્યારે પરિણામો આવ્યા, ત્યારે ઈન્દિરા ગાંધીની પાર્ટી 545માંથી 352 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદલપુરની રેલીમાં વધુ એક વાત કહી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો હિંદુઓની સંખ્યા વધુ છે તો શું હિંદુઓએ તેમનો અધિકાર લેવો જોઈએ? એક તરફ પ્રધાનમંત્રી મોદીએ ગરીબોની વાત કરી તેમને સૌથી મોટી જાતિ કહ્યા તો બીજી તરફ હિંદુઓ અને લઘુમતીઓની પણ વાત કરી. વડાપ્રધાનના આ નિવેદનોથી ગૂંચવણો ઊભી થવા સંભવ છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું પ્રધાનમંત્રી મોદીનું ઈન્દિરા કાર્ડ અને હિન્દુ-લઘુમતીઓની વાત વિપક્ષને હરાવી શકશે?
2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. પાર્ટીએ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં 2017 અને 2022માં સતત બે વિધાનસભા ચૂંટણીઓમાં સ્પષ્ટ જનાદેશ સાથે સરકાર બનાવી. રાજકીય વિશ્લેષક અમિતાભ તિવારીએ જણાવ્યું હતું કે ભાજપની જીત પાછળનું સૌથી મોટું પરિબળ મતદારોએ જાતિની ભાવનાઓથી ઉપર ઉઠીને હિન્દુત્વ અને વિકાસના નામે મતદાન કર્યું હતું.
છેલ્લા 10 વર્ષમાં ભાજપ હિન્દુ વોટ બેંકના રૂપમાં જ્ઞાતિના સમીકરણોથી દૂર જઈને એક નવું સમીકરણ બનાવવામાં સફળ રહ્યું છે. ભાજપે સરકારી યોજનાઓના લાભાર્થીઓની એક નવી વોટ બેંક બનાવી છે. ભાજપની આ નવી લાભાર્થી વોટ બેંકમાં ઉજ્જવલા, મફત રાશન, જન ધન, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓના લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે જાતિ ગણતરીનો ઉલ્લેખ કર્યા વિના તેના હિસ્સાનો ઉલ્લેખ કર્યો છે અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે, તે એક સંકેત તરીકે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ જાતિની વસ્તી ગણતરીનો સામનો કરવા માટે હિન્દુત્વ અને કલ્યાણના માર્ગે આગળ વધશે.