ગરમીની સામે રાહત મેળવવા ટેકનોલોજીની મદદથી વરસાદ પાડયો

 

દુબઈઃ યુએઇએ ગરમી સામે રાહત મેળવવા ટેકનોલોજીનો આશરો લીધો છે. ૫૦ ડિગ્રી  સેલ્સિયસે ગરમી પહોંચી ગઈ છે ત્યારે યુએઇએ ડ્રોનને વાદળોની અંદર મોકલ્યા હતા. તેના દ્વારા વાદળોમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ કરવામાં આવ્યા હતા. 

ડ્રોન ટેકનોલોજીની મદદથી વાદળોને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. તેના પગલે વરસાદ પડયો હતો. યુએઇ પૃથ્વી પરના સૌથી ઉજ્જડ પ્રદેશોમાં સ્થાન પામે છે. તેણે આશા વ્યક્ત કરી છે કે ડ્રોન ટેકનોલોજી દ્વારા તેની વાર્ષિક વરસાદની ઘટમાં ઘટાડો કરવામાં મદદ મળી શકે છે. છે. આ સફળતાથી ઉત્સાહિત થયેલા યુએઇએ તેના ફૂટેજ પણ જારી કર્યા છે. 

હીટ વેવની વચ્ચે આ પ્રકારના કૃત્રિમ વરસાદના પગલે રસ્તા પરના વાહનોને પણ તકલીફ પડી રહી હતી. યુએઇના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ક્લાઉડ સીડિંગના આ ટેકનિક દ્વારા વરસાદ પાડી શકાય છે અને વરસાદની ખાધ ઘટાડી પણ શકાય છે. 

યુએઇનું ક્લાઉડ સીડિંગ ઓપરેશન દેશમાં વરસાદમાં વધારો કરવાના ૧.૫ કરોડ ડોલરના કાર્યક્રમનો હિસ્સો છે. યુએઇ વિશ્વના ટોચના દસ ઉજ્જડ દેશોમાં સ્થાન પામે છે. તેના વરસાદની વાર્ષિક સરેરાશ ત્રણ ઇંચ છે, જે  ભારત કરતાં દસ ગણી ઓછી છે. ભારતમાં વરસાદની વાર્ષિક સરેરાશ ૨૫ ઇંચ જેટલી છે. આ માટેની ડ્રોન ટેકનોલોજીમાં ડ્રોન વાદળોમાં ઇલેક્ટ્રિક ચાર્જ કરે છે, આ વાદળો ભેગા થઈ એક ગઠ્ઠામાં જામે છે અને તેની અંદર ભેજ આકાર લે છે. તેના પગલે તેની અંદર જ પાણી ઝાકળના સ્વરૂપમાં એકઠું થવા માંડે છે જે પછી વરસાદ તરીકે પડે છે. 

યુએઇ પર આ રીતે આવતા વાદળોની કમી નથી. તેથી આ ટેકનોલોજીના પ્રયોગ દ્વારા તે વરસાદ વધારી શકે છે. આ પ્રોજેક્ટના ડિરેક્ટર આલ્યા અલ મઝરુઇએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક ચાર્જ એમિશન ઇન્સ્ટ્રુમેન્ટ અને કસ્ટમાઇઝ્ડ સેન્સરના પેલોડ વડે સજ્જ ડ્રોન નીચલા સ્તરે ઊડશે અને વાદળોને ઇલેક્ટ્રિક ચાર્જ આપશે કે કરંટ આપશે. તેના પગલે ભેજવાળા વાદળોમાંથી વરસાદ પડશે. જો કે દરેક વાદળમાં કંઈ વરસાદ પાડવા માટે સીડિંગ કરી શકાતું નથી. જો કે યુએઇને તેની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે મોંઘા ડિસેલિનેશન પ્લાન્ટની તુલનાએ આ રીતે ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવાની ટેકનિક ઘણી સસ્તી અને ઉપયોગી છે. તેના દ્વારા વરસાદ પડવાના પ્રમાણમાં પાંચથી સીત્તેર ટકાનો વધારો કરી શકાય છે