ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ દ્વારા ચોથો દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમ

ગણદેવીઃ ગણદેવી ખાતે ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ અને ગણદેવી સેવા સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા તથા અમેરિકાના મેટ કંપાના અને ધ્રુવીશ રીહેબ સેન્ટરના સહયોગથી ચોથો દિવ્યાંગ સાધન સહાય નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે ઉપસ્થિત ગોવિંદભાઇ પટેલે દિવ્યાંગોને પોતાની જાતને કમજોર ન સમજવા અને હિંમતભેર સંજોગોનો સામનો કરી તથા વાસ્તવિકતા સ્વીકારીને પોતાનું જીવન જીવવા માટે અપીલ કરી હતી. ઉદઘાટક તરીકે ઉપસ્થિત ગોપાલભાઇ ગોહિલ ટ્રસ્ટ અને તેની પ્રવૃત્તિઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત જ્યોતિબહેન દેસાઇએ દિવ્યાંગો માટે ટ્રસ્ટે કરેલી પહેલને બિરદાવીને ટ્રસ્ટના મહિલા નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમેરિકાથી ખાસ ઉપસ્થિત મેટ કમ્પાના તથા ડો. બીપીનભાઇએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાની તક આપવા બદલ આભાર માન્યો હતો. અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત ડો. જયંતીભાઇ પટેલ તથા આ કેમ્પના આયોજનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ડો. મોહનભાઇ પટેલ તથા અશ્રુબહેન પટેલ તરફથી સુંદર
આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત શીલાબહેન અને અશ્રુબહેન પટેલ તરફથી તેમના પિતા રામભાઇ અને માતા શાંતાબહેનના સ્મરણાર્થે દાન પ્રાપ્ત થયું હતું. સાથોસાથ શીલાબહેન અને રમેશભાઇ પટેલ તરફથી તેમના દીકરા રવિના સ્મરણાર્થે પણ માતબર દાન મળ્યું હતું. આ કેમ્પમાં ત્રીસ જેટલા લાભાર્થીઓને કૃત્રિમ પગ, છ લાભાર્થીઓને કૃત્રિમ હાથ તથા બાર લાભાર્થીઓને જરૂરી સાધનોની સહાય કરવામાં આવી હતી. કેમ્પના સફળ આયોજનમાં પ્રમુખ ભાવનાબહેન નાયક તથા ટ્રસ્ટના તમામ સભ્યોએ ખડે પગે ઉપસ્થિત રહીને દિવ્યાંગોને મદદરૂપ થઇને માનવતાની મહેક પ્રસરાવી હતી. ડીઆઇકે કન્યાવિદ્યાલય તથા કેજી દલાલ પ્રાથમિક વિભાગના પ્રાંગણમાં યોજાયેલા આ કેમ્પ માટે સ્થળ સહિતની ભૌતિક સુવિધાઓ સર સી. જે. ન્યુ હાઇસ્કુલ ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવી હતી, જે ઉલ્લેખનીય છે. આ કેમ્પમાં ગઝદર ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર હિરલબહેન નાયક, આચાર્ય વિનોદભાઇ કટારીયા, નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઇ હળપતિ, શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઇ પટેલ, અગ્રણી પરેશભાઇ અધ્વર્યુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.