ગઢડામાં વિશ્વનું સૌપ્રથમ શિક્ષાપત્રી મંદિરઃ સુવર્ણ શિક્ષાપત્રીનાં દર્શન થશે

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવોનું હિત કરનારી અને હિન્દુ સંસ્કૃતિના તમામ પ્રાચીન ગ્રંથોના સારરૂપ લખેલી શ્રી શિક્ષાપત્રીને મંદિરના સ્વરૂપે સ્થાપવાનો વિશ્વનો સૌપ્રથમ પ્રોજેક્ટ ગઢડામાં હાથ ધરવામાં આવ્યો છે. આ મંદિરના પ્રથમ સ્તંભના પૂજનનો કાર્યક્રમ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે સંપન્ન થયો હતો.

ગઢડાઃ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવોનું હિતને કરનારી અને હિન્દુ સંસ્કૃતિના તમામ પ્રાચીન ગ્રંથોના સારરૂપ લખેલી શ્રી શિક્ષાપત્રીને મંદિરના સ્વરૂપે સ્થાપવાનો વિશ્વનો સૌપ્રથમ પ્રોજેક્ટ ગઢડામાં હાથ ધરવામાં આવ્યો છે. ગઢડા-બોટાદ રોડ પર આવેલા શિક્ષાપત્રી ભવનના સંકુલમાં આ મંદિરના પ્રથમ સ્તંભના પૂજનનો કાર્યક્રમ સ્વામિનારાયણ સંપ્રદાયના સેંકડો સંતો, મહંતો, હજારો હરિભક્તોની હાજરીમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજના હસ્તે યોજાયો હતો.

રાકેશપ્રસાદદાસજી મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર સંપ્રદાયનું આ ઐતિહાસિક અને અજોડ એવું સૌપ્રથમ શિક્ષાપત્રી મંદિર હશે, જે ન ફક્ત સંપ્રદાયના આરશ્રતો, પણ તમામ જીવોને માટે દર્શનીય અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવનાર બની રહેશે. સમગ્ર પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા અને સંપ્રદાયના સંત શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને એક સત્તાવાર લેખમાં જણાવેલું છે કે ભવિષ્યમાં શિક્ષાપત્રીનાં મંદિર બનાવજો. ઇષ્ટદેવ શ્રીજી મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખજો. ગઢડા-બોટાદ રોડ પર ભવ્ય, નવ્ય અને દિવ્ય એવું શિક્ષાપત્રી મંદિર રૂ. દસ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ સાથે ખૂબ જ ઓતપ્રોત રહેલા શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજીએ જણાવ્યું કે ભારતમાં અને અન્ય સ્થળોએ ગીતામંદિરો, ગુરુ ગ્રંથસાહેબને પધરાવીને ગુરુદ્વારાઓ વગેરે છે, પણ સર્વજીવોનું હિત કરનાર અમૂલ્ય ગ્રંથ શિક્ષાપત્રીનું મંદિર ક્યાંય નથી જે હવે બે વર્ષમાં તૈયાર થઈ જશે.

આ મંદિરમાં શિક્ષાપત્રી લખતા સ્વામિનારાયણ ભગવાન તેમ જ ત્રણ કિલો સોનાની પ્લેટમાં કંડારેલી શિક્ષાપત્રી કે જેના 212 શ્લોક છે તે પધરાવવામાં આવશે અને શિક્ષાપત્રીના તમામ શ્લોકોને સવિસ્તર સમજી શકાય તે માટે તેનું પ્રદર્શન પણ રાખવામાં આવશે. નિર્માણાધીન મંદિરના પ્રથમ સ્તંભના પૂજનમાં સંપ્રદાયના તમામ વરિષ્ઠ સંતો-મહંતોની હાજરીમાં આ દિવ્ય કાર્યને બિરદાવ્યું હતું. સાંખ્યયોગી માતાઓ અને હરિભકતોએ કાર્યક્રમમાં હાજર રહી 50 સંતોનું ભાવ પૂજન-શાકોત્સવ વગેરે દિવ્ય કાર્યક્રમને માણ્યો હતો.

શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જેમ ભગવાનના મંદિરમાં થાળ, સેવા, પૂજન, આરતી, કથાવાર્તા થાય છે તે જ રીતે આ અનોખા અને અવર્ણનીય શિક્ષાપત્રી મંદિરમાં નિત્ય થાળ, સેવા, પૂજન અને કથાવાર્તા કરાશે. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન જ્યાં સૌથી વધારે 30 વર્ષ નિવાસ કર્યો તે ગઢડાની પવિત્ર ભૂમિ પર આ શિક્ષાપત્રી મંદિર થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં નવા યુગની શરૂઆત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here