ગંગાસાગર તીર્થધામમાં પૂજ્ય મોરારીબાપુની  રામકથા …

 

       દેશમાં સૌથી પવિત્ર ને પાવન છે ગંગા  નદી. ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ રાજા ભગીરથે આકરું તપ કરીને કરાવ્યું હતું. ગંગા ગંગોત્રીથી નીકળીને પશ્ચિમ બંગાળના સાગરમાં સમાઈ જાય છે. ગંગા અને સાગરના સંગમ સાગરને ગંગાસાગર તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, આ સૌથી પવિત્ર તીર્થસ્થાન છે. અહીં સ્નાન કરવાનો મોટો મહિમા છે.  શાશ્ત્રોમાં આ સ્થાનને મોક્ષધામ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાન્તિના શુભ દિને વિશ્વભરના હિંદુ ધાર્મિકો અહીં ગંગાસાગરમાં ડૂબકી લગાવીને ધન્યતાનો અનુભવ કરે છે. આથી જ કહેવત પડી છે કે- સારે તીરથ બાર બાર, ગંગાસાગર એક બાર .. 

      પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના જિલ્લામાં આવેલું આ તીર્થ અતિ પાવન છે. અહીં કપિલ મુનિનું મંદિર છે. કપિલ મુનિને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. જેમણે ભગવાન શ્રીરામના પૂર્વજ અને ઈક્ષ્વાકુ વંશના રાજા સગરના સાઠ હજાર પુત્રોનો ઉધ્ધાર કરવા માટે ગંગાનું ધરતી પર અવતરણ કરવા માટે તપ કરવાનો માર્ગ રાજા ભગીરથને દર્શાવ્યો હતો. એક સમય એવો હતો કે આ તીર્થસ્થાનની મુલાકાત લેવાનું અતિ વિકટ મનાતું હતું. અહીં આવવાનો માર્ગ અતિ દુર્ગમ હતો. પરંતુ અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આધુનિક ઉપકરણો, વાહન- વ્યવહારની સુગમતાને કારણે હવે અહીં આવવાનું સુગમ બન્યું છે. 

    સનાતન હિંદુ ધર્મના આ અતિ પાવન તિર્થસ્થાને પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથા થવાની છે. ભગવાન શ્રીરામની કથા અતિ પાવન છે. ગોસ્વામી સંત કવિ તુલસીદાસજી રચિત રામચરિત માનસ આજે ભક્તોના અંતકરણમાં ગુંજી રહ્યું છે. રામ કથાનો મહિમા અનોખો છે. પૂ. મોરારીબાપુની આ તીર્થધામમાં બીજીવાર કથા યોજાઈ રહી છે. 29 વરસ પહેલાં પૂ. બાપુએ ગંગાસાગરમાં રામકથાનું ગાન કર્યું હતું. આ રામકથાના યજમાન કલકત્તા નિવાસી શ્રી અરુણભાઈ  શ્રોફ છે. પરમાત્માની કૃપા  ના હોય તો સત્સંગનો લાભ ઉપલબ્ધ થતો નથી. બિન સત્સંગ વિવેક ના હોઈ, રામકૃપા બિન સુલભ ના સોઈ..

       હજી કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ નથી થયો. આથી મર્યાદિત શ્રોતાઓ જ રામકથાનો લાભ લઈ શકશે. આમંત્રણ વિના કથા શ્રવણ માટે ન આવવાની આયોજકોએ નમ્રતાથી વિનંતી કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here