ખોડલધામમાં ભાજપ-કોંગ્રેસના પાટીદાર નેતાઓની બંધબારણે બેઠક મળી

 

જેતપુરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ-કોંગ્રેસના પાટીદાર આગેવાનોની સૂચક હાજરી જોવા મળતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. ખોડલધામ ખાતે નેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી ચૂંટણીની જગ્યાએ હોય છે અને સમાજનું કાર્ય તેની જગ્યાએ. રવિવારે મળેલી બેઠક સંપૂર્ણ રીતે સામાજિક અને સમાજના આગામી કાર્યક્રમો પર કેન્દ્રીત હતી.

સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે ખાનગી બેઠક મળી હતી જેમાં રાજ્યભરના લેઉવા પટેલ સમાજના રાજકીય, સામાજિક આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા અને ખોડલધામના ટ્રસ્ટીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગોંડલના નિખિલ દોંગા અને જામનગરના જયેશ પટેલ મુદ્દે ચર્ચા થઈ હતી અને એ જ મુદ્દે કાયદાકિય સંકજો પાટીદારો ઉપર કસાઈ રહ્યો હોવા મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. 

પરેશ ધાનાણી, નરેશ પટેલ, જયેશ રાદડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા એટલું જ નહીં પરંતુ લલિત વસોયા, કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા પણ બેઠકમાં હાજર હતા. રાજકીય નિષ્ણાતોના મતે આ બેઠકમાં રાજકારણમાં લેઉવા પટેલનું નેતૃત્વ વધુ મજબૂત કરવા પર પણ ચર્ચા થઈ હોવાની સંભાવના છે. જયેશ રાદડિયાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ બેઠકને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. સમાજના પ્રશ્નો પર જ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં પ્રતિ ત્રણ મહિને નિયમિત બેઠક યોજવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.