ખેડૂતો અને જવાન અમારી તાકાત છે, તેમના હિત માટે NDA પણ છોડીશુઃ RLP

 

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે NDA પર જોવા મળી રહી છે. NDA સહયોજક દળ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી- RLP કેન્દ્ર સરકારને કૃષિ કાયદાઓ પરત ખેંચવા માંગ ઉઠાવતા એનડીએ સાથે છેડો ફાડવાની ધમકી આપી હતી. આરએલપીના સંયોજક અને સાંસદ હનુમાન બેનીવાલે ગૃહ મંત્રી અમિત શાહને આ મુદ્દે પત્ર લખ્યો હતો. 

ય્ન્ભ્એ પત્રમાં લખ્યું હતું કે જો આ મુદ્દે કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો પાર્ટી એનડીએ સાથે જોડાઇ રહેવા પર વિચારણા કરશે. બેનીવાલે આ સંદર્ભે સોમવારે અમિત શાહને સંબોધિત એક ટ્વીટ કરતા લખ્યું હતું કે, દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની ભાવનાને સમજતાં તાજેતરમાં લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓને ત્વરિત પાછા ખેંચી, સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરો અને ખેડૂતો સાથે વાતચીત માટે તેમની ઇચ્છાનુસાર સ્થાનની મંજૂરી આપવામાં આવે. તેમણે ટ્વીટ થકી એવો સંદેશો પણ આપ્યો હતો કે, આરએલપી એ એનડીએનું સભ્ય દળ છે, પરંતુ તેની શક્તિ ખેડૂતો અને જવાન છે, આથી આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરતા કૃષિ કાયદા પાછા ખેંચે નહીં તો ખેડૂતોના હિત માટે દળે એનડીએના સહયોગી દળ રહેવા પર વિચારણા કરવી પડશે. આરએલપી અને બીજેપીએ ગત લોકસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી, જેમાં બીજેપીએ રાજ્યમાં ૨૫માંથી એક સીટ આરએલપીને સોંપી હતી, જેની પર બેનીવાલ ચૂંટાયા હતા.