ખેડૂતોનું આંદોલન સમેટાયુંઃ ૧૧મી ડિસેમ્બરથી દિલ્હી બોર્ડર ખાલી કરાશે

 

નવી દિલ્હીઃ એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન  હવે ખતમ થઈ ગયું છે. કૃષિ કાયદાની વાપસી બાદ ખેડૂતોની બાકી માગણીઓ ઉપર પણ સરકાર તરફથી પાક્કી ખાતરી મળ્યા બાદ ખેડૂત આંદોલન પૂર્ણ થયું છે. આ અગાઉ મોરચાએ લાંબી બેઠક કરી હતી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું છે કે ૧૫ જાન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે, જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જાહેરાત બાદ ૧૧ ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.

ખેડૂતોએ બોર્ડર પર બનાવેલા પોતાના ટેન્ટ ઉખાડવાના શરૂ કરી દીધા છે અને તેમના બિસ્તરા પોટલાને ટ્રકો અને ટ્રેક્ટરોમાં ભરવાનું શરૂ કરી દીધુ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને આથી તેઓ હવે પાછા ફરી રહ્યા છે. આંદોલનકારીઓએ ઘરે પરત જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આંદોલનની આગેવાની કરનાર પંજાબના ૩૨ ખેડૂત સંગઠનોએ તેમનો કાર્યક્રમ પણ બનાવી દીધો છે. ખેડૂતો દ્વારા ૧૧મી ડિસેમ્બરે દિલ્હીથી પંજાબ સુધીની વિજય કૂચ કરવામાં આવશે. સિંઘુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એક સાથે પંજાબ માટે રવાના થશે. ૧૩મી ડિસેમ્બરે પંજાબમાં ૩૨ સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. એ પછી ૧૫ ડિસેમ્બરે પંજાબમાં અંદાજે ૧૧૬ જગ્યાએ શરૂ કરવામાં આવેલું આંદોલન ખતમ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here