ખેડા જિલ્લાના વસો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં નિઃશુલ્ક પણે ઓક્સિજન સેવા ઉપલબ્ધ 

 

વસોઃ કોરોનાના મહાસંકટ વચ્ચે ખેડા જિલ્લામાં એક પછી એક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી કામ કરી રહી છે. નડિયાદ બાદ હવે વસો અને આસપાસના વિસ્તારોમાં ઓક્સિજન સેવા નિઃશુલ્ક આપવા વધુ એક સંસ્થાએ કામગીરી આરંભી દીધી છે. તાલુકા મથક વસોમાં કોરોના કાળમાં અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ રહી છે. જેમાં વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલતી વિવિધ સેવામાંની એક સેવા લોકો માટે આશીર્વાદ સમાન સાબિત બની છે.

વસોના યુવાન રાકેશ પંચાલ, જે પોતે બિલ્ડીંગ મટીરીયલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાના સ્વર્ગસ્થ પિતા મનુભાઈ પંચાલના નામે વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી તેમણે પોતાના પિતાની યાદમાં ‘વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ’ની વસો મુકામે સ્થાપના કરી છે. જેમાં વિવિધ સેવા જેવી કે જરૂરિયાત મંદોને ટીફીન સેવા, પક્ષીઓને ચણ સેવા, સગર્ભા મહિલાને કીટ સેવા, સિનિયર સિટીઝનોને મુશ્કેલી સહિતની સેવા યજ્ઞ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં કોરોના મહામારી ભરખી ગઈ છે ત્યારે હાલ ઓક્સિજનની અછત સર્જાઈ છે તેવી સ્થિતિ વચ્ચે આ સંસ્થા દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન નિઃશુલ્ક સેવાભાવે વસો તાલુકાના જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી રહ્યાં છે