ખરું નરક તો નેગેટિવ થિંકિંગ જ પેદા કરે છે

0
869

દુનિયાનો સૌથી ખતરનાક રોગ નેગેટિવ થિંકિંગ છે. નેગેટિવિટીનો રોગ એવો છે કે જેનો ઇલાજ બહારનો કોઈ ડોક્ટર કરી શકતો નથી. એનું નિદાન પણ પેશન્ટે પોતે કરવાનું હોય છે અને ઇલાજ પણ પોતે જ કરવાનો હોય છે!
વિશ્વ રંગભૂમિ દિવસે જાણીતી અભિનેત્રી સુજાતા મહેતાએ એક અખબારી ઇન્ટરવ્યુમાં બહુ જ મુદ્દાની વાત કરી. સુજાતા મહેતાનું અભિનય ક્ષેત્રે ભલે બહુ મોટું નામ નથી, પરંતુ એણે જે વાત કરી છે તે દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. લતેશ શાહલિખિત ગુજરાતી નાટક ‘ચિત્કાર’માં સુજાતા મહેતાએ ગાંડપણ ધરાવતી સ્ત્રીનો રોલ કર્યો હતો. કોઈ પણ એક્ટર માટે ગાંડા માણસની ભૂમિકા ભજવવી એ એની અગ્નિપરીક્ષા જેવું હોય છે. ડાહ્યા માણસનો કે શ્રીમંત માણસનો રોલ ભજવી શકાય અને રાજા-મહારાજાઓના રોલ પણ ભજવી શકાય, કોઈ એડવોકેટની એક્ટિંગ આસાન છે અને એમ તો ભિખારીની ભૂમિકા ભજવવાનું પણ મુશ્કેલ નથી; પરંતુ કોઈ પાગલ કે ગાંડી વ્યક્તિની ભૂમિકા ભજવવી આસાન નથી હોતી. એ માટે કલાકારે એવાં અનેક પાત્રોને નિકટથી જોવાં પડે, એના બિહેવિયરનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે, અનેક રિહર્સલ્સ કરવાં પડે. આટઆટલું કર્યા પછી પણ એ કલાકાર પાગલની ભૂમિકા નિભાવવામાં સફળ થશે જ અથવા સર્વસ્વીકૃત બનશે જ એની ગેરંટી આપી શકાતી નથી.
‘ચિત્કાર’ નાટકમાં પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપવા માટે સુજાતા મહેતાએ પારાવાર રિહર્સલ્સ કર્યાં અને પોતાની ભૂમિકાને આત્મસાત્ કરવાની ભરપૂર મથામણ કરી. એનું પરિણામ એ આવ્યું કે ધીમે ધીમે એનો પ્રભાવ એના અન્કોન્શિયસ માઇન્ડ પર પડવા લાગ્યો. કોઈ પણ સાચો કલાકાર – સમર્થ કલાકાર સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે પોતાના પાત્રમાં એટલો બધો ઇન્વોલ્વ થઈ જતો હોય છે કે પોતાની રિયલ પર્સનાલિટીને એ પડદા પાછળ ધકેલી દેતો હોય છે. સુજાતાને પણ એવું જ થયું. નાટકમાં એના રોલને કારણે એની માનસિકતા બદલાવા લાગી. તેણે ડોક્ટરની એડવાઇસ લીધી. ડોક્ટરે ખૂબ વિચાર કરીને કહ્યું કે તમારે આ નાટકના પચીસથી વધારે શો ન કરવા જોઈએ, કારણ કે જો વધારે શો કરશો તો એનો ઊંડો પ્રભાવ તમારા મગજ પર પડશે અને એનાં માઠાં પરિણામ ભોગવવાં પડશે.
જોકે સુજાતા એક્ટર તરીકે જેટલી સક્ષમ હતી એટલી જ સ્ત્રીશક્તિ એટલે કે વુમનપાવરની દષ્ટિએ પણ પાવરફુલ હતી. તેણે ‘ચિત્કાર’ નાટકના આઠસોથી વધુ શો કર્યા!
સુજાતા સ્ટ્રોન્ગ હતી અને એ માનસિક રોગની પેશન્ટ ન બની એ અલગ વાત છે, પરંતુ ડોક્ટરે એને જે વોર્નિંગ આપી હતી એ આપણે યાદ રાખવા જેવી છે. કોઈ માણસ શરાબ-સિગારેટનું વ્યસન ધરાવતો હોય તો એને કેન્સર થવાની શક્યતા વધે છે. દરેક વ્યસની કદાચ કેન્સર જેવા ગંભીર રોગનો શિકાર ન બને, પણ એની પોસિબિલિટી વધે છે એ વૈજ્ઞાનિક સત્યનો સ્વીકાર કરવો જ પડે.
આજકાલ કોઈ પણ ભાષાનું કોઈ પણ અખબાર લઈને વાંચવાની શરૂઆત કરીએ તો આપણને જોવા મળશે કે એમાં નેગેટિવિટીના સમાચારોને પ્રાયોરિટી આપવામાં આવે છે. ન્યુઝપેપરના પહેલા પાના પર આઠ કોલમ કે પાંચ કોલમના હેડિંગ સાથે ખૂન, બળાત્કાર, એક્સિડેન્ટ અથવા તો ગંદા રાજકારણના સમાચાર પ્રગટ થયેલા જોવા મળે છે. તમારે પ્રયોગ કરવો હોય તો આજનું જ ન્યુઝપેપર લઈને બેસો અને એમાંથી નેગેટિવ સમાચારો ઉપર ચોકડી મારતા જાવ. લગભગ આખા ન્યુઝપેપર ઉપર ચોકડી વાગી જશે! ભાગ્યે જ કોઈ પોઝિટિવ સમાચાર એ ન્યુઝપેપરમાંથી તમને મળી રહેશે! આવી હાલતમાં સમાજ માનસિક રીતે સાતિ્ત્વક અને તંદુરસ્ત કઈ રીતે બની શકે? કોઈ સરકારી અધિકારીએ ઈમાનદારી બતાવી હોય, અથવા કોઈ ગરીબ વ્યક્તિએ ખાનદાની નિભાવી હોય એવા સમાચાર ન્યુઝપેપરના કોઈ અંદરના પાને લગભગ બોટમ ન્યુઝ તરીકે ગોઠવાયેલા જોવા મળે છે. કોઈ પોલીસકર્મીએ કોઈ નિર્દોષ વ્યક્તિને જેન્યુઇન હેલ્પ કરી હોય અથવા તો કોઈ ઉદાર દિલ વ્યક્તિએ સમાજના હિત માટે ડોનેશન આપ્યું હોય એવા સમાચાર લગભગ છાપાના ખૂણે છુપાવીને પ્રગટ કરવામાં આવે છે. એને પ્રાયોરિટી મળતી નથી. ટીવીની વિવિધ ન્યુઝ ચેનલો ઉપર વારંવાર બ્રેકિંગ ન્યુઝ જોવા મળે છે એમાં માંડ પાંચ ટકા ન્યુઝ પોઝિટિવ હોય છે, બાકીના તમામ ન્યુઝ નેગેટિવ હોય છે.
વિદ્યાર્થી અવસ્થામાં અમારે અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં એક લેસન ભણવામાં આવતો હતો, તેમાં એક પેશન્ટ ઘરની બારીમાંથી બહારના એક વૃક્ષને જોયા કરે છે. એ વૃક્ષ પરથી દરરોજ થોડાં પાંદડાં ખરતાં જાય છે અને પેશન્ટ મનોમન વિચારે છે કે જેમ આ વૃક્ષ પરથી પાંદડાં ખરી રહ્યાં છે તેમ મારા જીવનમાંથી – મારા આયુષ્યમાંથી પણ દિવસો ખરી રહ્યા છે. જે દિવસે આ વૃક્ષનું છેલ્લું પાંદડું ખરી પડશે એ દિવસે નિશ્ચિત મારું મૃત્યુ થઈ જશે.
એવામાં એક વખત એ પેશન્ટની ખબર પૂછવા માટે એનો એક ચિત્રકાર મિત્ર આવ્યો. એણે સમગ્ર હકીકત જાણી અને પેશન્ટની નેગેટિવિટીનો ખ્યાલ એને આવી ગયો. તે કશું બોલ્યા વગર બહાર નીકળી ગયો, પણ બીજા દિવસે એણે ચમત્કાર કરી બતાવ્યો! પછીના દિવસે પેશન્ટે બારીની બહાર જોયું તો પેલા વૃક્ષ પર નવા પાંદડાની કૂંપળ ફૂટી હતી! પેશન્ટ વિસ્મયમાં ડૂબી ગયો. અરે, આ શું! અહીં તો નવું પાંદડું આવી ગયું! પછી તો ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને એ વૃક્ષ પર દરરોજ એક નવું પાંદડું ખીલતું જતું હતું. આ જોઈને પેશન્ટ પણ આશાવાદી બન્યો. એની નિરાશા ઓગળી ગઈ. થોડા દિવસમાં તો પેશન્ટ તદ્દન તંદુરસ્ત થઈ ગયો! કદાચ એ પેશન્ટના ડોક્ટરને આવા રિઝલ્ટની આશા નહોતી! જે કામ ડોક્ટર મેડિસિન વડે ન કરી શક્યા એ કામ એક ચિત્રકારે વૃક્ષ ઉપર નવાં પાંદડાંનું ચિત્રકામ કરીને કરી બતાવ્યું હતું…
પોઝિટિવ થિંકિંગ જે ચમત્કાર કરી શકે છે એવો ચમત્કાર જગતની બીજી કોઈ તાકાત કરી શકતી નથી અને નેગેટિવિટી આપણું જે નુકસાન કરે છે એવું નુકસાન પણ જગતની બીજી કોઈ તાકાત કરી શકતી નથી માટે જીવનને કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પણ પોઝિટિવ એન્ગલથી જોવાનો અભિગમ કેળવવો એ આપણા સુખને ઝિંદાબાદ રાખવાનું પહેલું અને પાયાનું સૂત્ર છે.
મહાભારતના યુદ્ધ વખતે એક દિવસ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે આવતી કાલના યુદ્ધમાં ‘કાં તો હું નહિ હોઉં કાં તો કર્ણ નહિ હોય!’ ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે, ‘તારો અભિગમ બિલકુલ ખોટો છે. તારે એમ કહેવું જોઈએ કે આવતી કાલે યુદ્ધમાં હું જ રહીશ, કર્ણ નહિ રહે!’
પોઝિટિવિટી તાકાત બને છે અને માણસને જિતાડે છે, જિવાડે પણ છે!
નવી નિમણૂક.
એક કંપનીના માલિકે પોતાના સ્ટાફમાં એક નવા માણસની નિમણૂક કરી. નવા માણસે પહેલા દિવસે માલિકને પૂછ્યું કે, ‘આપના જણાવ્યા મુજબ મારે આપના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું છે, તો મારે કઈ કઈ કામગીરી કરવાની છે એ અંગે મને માર્ગદર્શન આપશો?’
માલિકે કહ્યું કે, ‘તારે મારી ભૂલો બતાવવા સિવાયનું કોઈ કામ કરવાનું નથી…’
પેલા માણસને નવાઈ લાગી. એણે ફરીથી પૂછ્યું, ‘માલિક! આ મારી કેવી ફરજ? હું આપની ભૂલો કેવી રીતે બતાવી શકું?’
માલિકે કહ્યું, ‘જો ભાઈ! આ ઓફિસમાં મારી વાહવાહી કરનારા, મારી ભૂલો ઢાંકીને પણ મારી સાથે સારો વ્યવહાર કરનારા ચમચાઓની તો બહુ મોટી ફોજ ખડેપગે છે; પરંતુ મારી ભૂલો બતાવનારો, મારું મિસબિહેવિયર બતાવનારો, મારા ખોટા ડિસિઝન વિશે મને તટસ્થ રીતે કહી શકે તેવો એક પણ માણસ નથી. એ કારણે મને નેગેટિવ અને સાચી પરિસ્થિતિનો ક્યારેય ખ્યાલ આવતો નથી. મારા ચમચાઓ મને હંમેશાં એવી ભ્રાંતિમાં રાખે છે કે હું જાણે સર્વોપરી છું અને મારા તમામ નિર્ણયો હંમેશાં સારા અને સાચા જ હોય છે! આ કારણે કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું છે એવું મને લાગે છે. મારા હરીફો મારા કરતાં વધારે વિકાસ કરી રહ્યા છે અને વધારે લોકપ્રિય પણ થઈ રહ્યા છે. મારે એ પરિસ્થિતિ સુધારવી છે અને હરીફોને હંફાવવા છે. મારા વ્યક્તિત્વ વિશે તેમ જ કંપનીના હિતમાં મારા નિર્ણયો વિશે મને સાચી વાત સ્પષ્ટ કહી શકે એવા એક નિર્ભય અને તટસ્થ સૂઝ-સમજવાળા માણસની મારે જરૂર છે. તારે એ કામ કરવાનું છે. તું જેટલી વખત મારી કોઈ જેન્યુઅન મિસ્ટેક બતાવીશ, એટલી વખત તને એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે!’
દરેક કંપનીના માલિક, બોસ કે ઉપરી અધિકારીએ આવા એક અંગત માણસની નિમણૂક કરી રાખવી જોઈએ. જોકે બને છે આના કરતાં સાવ ઊલટું. મોટે ભાગે આવા માલિકો ‘હા જી હા’ કરનારા લોકોની જમાત પોતાની અડખેપડખે લઈને ફરતા હોય છે. એ કારણે પોતાના દોષોની અને કંપનીને થતા નુકસાનની એમને શરૂઆતથી જે જાણ થવી જોઈએ તે થતી જ નથી અને આખરે તેઓ કંપની સહિત ડૂબી જાય છે! પોતાની ભૂલો શોધવી અથવા પોતાની ભૂલો પ્રત્યે જાગ્રત રહેવું એ પોઝિટિવ થિંકિંગ છે અને બીજા લોકોની ભૂલો શોધવી એ નેગેટિવિટી છે. સામાન્ય રીતે છીછરા માણસો બીજાની ભૂલો બિલોરી કાચ લઈને શોધતા રહે છે, જ્યારે સજ્જનો પોતાની ભૂલો બતાવે એવા સ્વજનોની સંગત કરતા હોય છે અને એ કારણે તેઓ હંમેશાં સફળ થતા રહે છે.
કેટલાક લોકો વહેમ-ચમત્કાર અને નસીબ કે ભાગ્ય વગેરેને આગળ કરીને નેગેટિવિટીમાં લાઇફ ટાઇમ ભટકતા રહે છે કેટલાક લોકો હંમેશા એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે વિધાતાએ લખ્યું હશે તે થશે.
એક કથાકારે વિધાતાના અસ્તિત્વ વિશે કરેલી વાત અહીં મારે ઉલ્લેખવી છે. ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ થયો એ જાણીને હનુમાનજી ખૂબ ગુસ્સે થયા. મારા સ્વામીને ચૌદ વર્ષનો વનવાસ કોણે આપ્યો? કોઈએ એમને કહ્યું કે, એ તો વિધાતાએ લખ્યા લેખ પ્રમાણે જ બધું થાય! હનુમાનજી સીધા જ વિધાતા પાસે પહોંચી ગયા અને વિધાતાને પકડીને રામજી પાસે લઈ આવ્યા. ભગવાન રામ તો કશું ન બોલ્યા, પરંતુ વિધાતાએ ખુદ એ વખતે હનુમાનજીને કહ્યું કે, ‘હનુમાનજી! મારી વાત સાંભળો. હું ક્યારેય કોઈના લેખ લખતી નથી. તમે પોતે જ અત્યારે મને મારા ઘરેથી ઊંચકીને અહીં લઈ આવ્યા છો. મારા આવા લેખ કોણે લખ્યા હશે? જો દુનિયાભરના લેખ લખવાની સત્તા મારા હાથમાં હોય તો મારા લેખ લખવાની સત્તા કોના હાથમાં હશે? હનુમાનજી વિચારમાં પડ્યા. ભગવાન રામે હનુમાનજીના ભોળપણ સામે મંદ સ્મિત વેર્યું.
નસીબના નામે નેગેટિવ વિચારોમાં નાચવું એ ધરતી ઉપર જ નરક પેદા કરવા સમાન છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.