ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમીઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વર્ડાંપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા જેવા ઓઇલ ઉત્પાદક દેશોને ક્રૂડના ભાવ ઘટાડી યોગ્ય સ્તરે લાવવાની અપીલ કરી હતી. મોદીએ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ કરનાારા દેશોને જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવથી વૈશ્વિક આર્થિક વૃદ્ધિને નુકસાન થઈ રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ વૈશ્વિક અને ઘરેલુ ઓઇલ અને ગેસ કંપનીઓના ટોચના અધિકારીઓ સાથેની ત્રીજી વાર્ષિક બેઠકમાં ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ અંગે ભારત જેવા દેશોની ચિંતાઓ રજૂ કરી હતી.
વડા પ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના ઓઇલ પ્રધાન ખાલિદ અલ ફાલેહની હાજરીમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ ચાર વર્ષની ટોચે પહોંચી ગયા છે. જેના કારણે વૈશ્વિક આર્થિક વિકાસ પર વિપરીત અસર પડી રહી છે. ફુગાવો વધી રહ્યો છે અને ભારત જેવા વિકાસશીલ દેશોનું બજેટ ખરાબ થઈ રહ્યું છે.
ફાલેહે જણાવ્યું હતું કે જો સાઉદી અરેબિયાએ પગલાં લીધાં ન હોત તો આ પીડા વધારે ગંભીર હોત. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા જેવા ઓઇલ ઉત્પાદક દેશોને સોનાનાં ઈંડાં આપતી મરઘીને જાનથી મારી ન નાખવાની ચેતવણી આપીને તેમણે ગ્રાહકોને સોનાનાં ઇંડાં આપતી મરઘી સાથે સરખાવ્યા હતાં. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ડોલરના સંદર્ભમાં ક્રૂડ ઓઇલ 50 ટકા જ્યારે રૂપિયાના સંદર્ભમાં 70 ટકા મોંઘું થયું છે. આ બેઠકમાં નાણા મંત્રીઅરુણ જેટલી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર પણ સામેલ હતા.
બીપીના મુખ્ય કાર્યકારી અધિકારી બોબ ડુડલે, ટોટલના પ્રમુખ પેટ્રિક ફોઉયાને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિર્દેશક પીએમએસ પ્રસાદ અને વેદાંતાના પ્રમુખ અનિલ અગ્રવાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સાઉદી અરેબિયાના ઓઇલ મંત્રી ખાલિદ અલ ફાલેહે ઇન્ડિયા એનર્જી ફોરમમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ક્રૂડ ઓઇલના ઉંચા ભાવને કારણે ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે આજે ગ્રાહકોની પીડાને વડા પ્રધાનના મુખેથી સ્પષ્ટપણે સમજી છે.