ક્રુડમાં ભડકોઃ પેટ્રોલ-ડિઝલ ઓર મોંઘા થશે

 

સાઉદી અરબઃ સાઉદી અરેબિયન ઓઇલ સવલતો પર હુમલા પછી ક્રૂડની વૈશ્વિક કિંમતો આજે વધુ ઉછળી હતી, જે હુમલો એના થોડા દિવસ પછી થયો છે જયારે વિશ્વના મોટા ક્રૂડ નિકાસકાર દેશોએ જાહેર કર્યું હતું કે તેઓ હાલ ઉત્પાદન વધારશે નહીં. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ મનાતું બ્રેન્ટ ક્રૂડ, કે જે એક વર્ષ કરતા વધુ સમયમાં પ્રથમ વખત બેરલ દીઠ ૭૦ ડોલરની કિંમતને વટાવી ગયું છે, તેની કિંમત બેરલે ૧.૧૪ ડોલર વધી હતી અને બેરલદીઠ ૭૦.૪૭ ડોલર થઇ હતી. તે શુક્રવારે વધીને ૨.૬૨ ડોલર થઇ હતી.

બેન્ચમાર્ક યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ ૧.૧૦ ડોલરનો વધારો થયો હતો અને તેની કિંમત વધીને ૬૭.૧૯ ડોલર પ્રતિ બેરલ થઇ હતી. જો કે દિવસ દરમ્યાન તેમાં વધુ મોટા ઉછાળા આવ્યા હતા પણ બાદમાં તેમાં થોડો ઘટાડો થયો હતો. તે શુક્રવારે બેરલ દીઠ ૨.૨૬ ડોલર વધીને ૬૬.૦૯ ડોલર થયો હતો. વ્યાપક રસીકરણ શરૂ થયા બાદ વૈશ્વિક રોગચાળાના અંતની શરૂઆતના સંભવિત સંકેતોની સાથે ક્રૂડની કિંમતો આ વર્ષ દરમ્યાન ૩૦ ટકા કરતા વધુ વધી છે.

તાજેતરના સપ્તાહોમાં સાઉદી અરેબિયાની ઓઇલ સવલતો પર હુમલાઓ વધ્યા છે અને તેણે સાઉદી અરેબિયાની હવાઇ સંરક્ષણ સજ્જતા અંગે ચિંતાઓ વધારી છે અને આ ઉપરાંત યમનની સરહદ પર ઇરાનનો ટેકો ધરાવતા બળવાખોરોની વધતી તાકાત અંગે પણ ચિંતાઓ વધી છે. હાલમાં સાઉદી અરેબિયાની રાસ તનુરા ખાતેની ઓઇલ સ્ટોરેજ સાઈટ પર એક ડ્રોન હુમલો થયો હતો જેના પછી સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધને યુદ્ધ ગ્રસ્ત યમનની રાજધાની પર હવાઇ હુમલા કર્યા હતા.

સાઉદી સરકાર ઓઇલ કંપની અરામ્કોએ જણાવ્યું હતું કે ઓઇલ સાઇટ પર ડ્રોન હુમલાથી કોઇ નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં પણ સાઉદી ઓઇલ સાઇટ પર હુમલો થયો હતો અને તે વખતે ઓઇલની વૈશ્વિક કિંમતો ૧૪ ટકા જેટલી વધી હતી કારણ કે તે વખતે પુરવઠો ઘણો ખોરવાયો હતો, જો કે આ વખતે એટલી બધી અસર નથી.