
કોફી વિથ કરન રિયાલિટી શોમાં કરણ જોહર દ્વારા રજૂ કરાતા શોમાં ક્રિકેટ ટીમના બે યુવા, મહત્વાકાંક્ષી અને પ્રતિભાસંપન્ન યુવાનોની મુલાકાત રજૂ કરવામાં આવી હતી. પરસ્પર વાતચીતના આ કાર્યક્રમમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓની વાત કરતાં, તેમની માટે અસભ્ય, અસંસ્કારી અપમાનજનક અને બીભત્સ કહી શકાય તેવી કોમેન્ટસ- ટિપ્પણીઓ કરી હતી. જેને કારણે જનસમુદાયના ક્રિકેેટ- ચાહકો તેમજ સમાજના અન્ય લોકોએ તેની ટવીટર પર ટીકા કરી હતી. આથી બીસીસીઆઈને સખત પગલા લેવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નહોતો. મહિલાઓ વિષે અણછાજતી કોમેન્ટસ કરવા બદલ તેમને તાત્કાલિક ધોરણે ભારતીય ટીમમાંથી સસ્પેન્ડ કરીને ઓસ્ટ્રેલિયાથી ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બીસીસીઆઈના ચેરમેન વિનોદ રાયે પત્ર પાઠવીને ઉપરોક્ત બન્ને ક્રિકેટરોને આ માહિતી આપી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, જયાં સુધી તમારા બન્નેના વિવાદાસ્પદ વિધાનો અને વર્તન બાબત તપાસ પૂરી કરીને , આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમને બન્નેને સંપૂર્ણરીતે સસ્પેન્ડ કરવામાં આવે છે.
કોફી વિથ કરણમાં બેફામ અને બેજવાબદાર રીતે મહિલાઓ માટે અશોભનીય નિવેદન કરવનારા હાર્દિક પંડ્યાએ જાહેરમાં પોતાની ભૂલની માફી માગી હતી. તેણે ટવીટર પર કહ્યું હતું કે, કાર્યક્રમના વાતાવરણને કારણે મેે મહિલાઓ વિષે અયોગ્ય નિવેદન કર્યા તેની માફી માગુ છું. મારી ટિપ્પણીથી જે કોઈની લાગણી દુભાઈ હોય તેમની હું માફી ચાહું છું.
આથી જ શાણા માણસો કહે છે કે, પહેલા સો વાર તોલો, પછી એકવાર બોલો..
ભાથામાંથી નીકળેલું તીર અને મુખમાથી બોલાયેલા શબ્દો , પાછા વાળી શકાતા નથી..