
તાજેતરમાં કોફી વિથ કરણનો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલે ભાગ લીધો હતો. આ પ્રસારણમાં વાતચીત દરમિયાન હાર્દિકે મહિલાઓ વિષે કેટલાક અપમાનજનક નિવેદન કર્યા હતા. જેને કારણે સોશ્યલ મિડિયા પર લોકોએ એની આકરી ટીકા કરી હતી.ત્યારબાદ હાર્દિકે સોશ્યલ મિડિયા પર પોતાના નિવેદન બાબત સ્પષ્ટતા કરતો પોતાનો મત રજૂ કર્યો હતો તેમજ લોકોની માફી પણ માગી હતી. હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, કોફી વિથ કરન કાર્યક્રમમાં મારા નિવેદનને કારણે જે લોકોની લાગણીને મેં ઠેસ પહોંચાડી છે તે તમામ લોકોની હું માફી માગું છું. હું કોઈનું અપમાન કરવા ઈચ્છતો નહોતો. હું પ્રમાણિકતાથી કહું છું કે, કોઈની લાગણી દુભવવાનો મારો લેશ માત્ર ઈરાદો નહોતો.
હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનોમાં વિરાટ કોહલીને સચિન તેંડુલકરથી સારો બેટસમેન ગણાવ્યો હતો. . જેથી ક્રિકેટના ચાહકો નારાજ થયા હતા. હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિષે પણ નિવેદનો કર્યા હતા. તેણે કહ્યું હતું કે, યુવતીઓ સાથે વાત કરવા કરતાં તેમને જોવી મને વધારે ગમે છે. હાર્દિકની સાથે કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા રાહુલે તેને ગમે તેમ બોલતો રોકવાના પ્રયાસો કર્યા હતા. આમ છતાં હાર્દિક પંડ્યા બેફામ બોલતો રહ્યો હતો. લોકોએ ટવીટ કરીને પોતાનો ગુસ્સો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોએ ટવીટ પર કહ્યું હતું કે, હાર્દિક મહિલાઓનું સન્માન કરતો નથી. તે ગેરજવાબદાર વ્યક્તિ છે. લોકોએ આ કાર્યક્રમના આયોજક કરન જોહરની પણ ટીકા કરી હતી