ક્રાંતિકારી અને સર્જનાત્મક આર્કિટેક્ચરના રચયિતાઃ બાલકૃષ્ણ દોશી

0
870

બાલકૃષ્ણ દોશીને મળેલો પ્રીટસ્કર પુરસ્કાર આપણને તેમના વૈશ્વિક પ્રદાન ઉપર નજર નાખવાની તક આપે છે. બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીનો જન્મ 1927માં પશ્ચિમ ભારતના પુણેમાં થયો હતો. દોશીએ એમનું આર્કિટેક્ચરનું શિક્ષણ જે. જે. કોલેજ, મુંબઈમાં શરૂ કર્યું. જે. જે. કોલેજનો અભ્યાસ છોડીને તેઓ લંડન ગયા. યોગાનુયોગ પેરિસના મહાન સ્થપતિ લ કર્બુઝિયરની ઓફિસમાં એમને કામ કરવાનો મોકો મળ્યો. આ તબક્કો એમના જીવનમાં ખૂબ મહત્ત્વનો પુરવાર થવાનો હતો. આ અનુભવે સિદ્ધાંતો અને કાર્યપદ્ધતિની રેખાકૃતિ બનાવી, જે બાલકૃષ્ણ દોશી વિકસાવતા રહ્યા. 1950ના શરૂઆતના દસકામાં તેઓ લ કર્બુઝિયરના કામની દેખરેખ રાખવા માટે અમદાવાદ આવ્યા અને સાથે સાથે એમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો.
બાલકૃષ્ણ દોશીના એમના દરેક કાર્યની ઝાંખી આપવી શક્ય નથી. આપણે એમના અમુક પ્રોજેક્ટ વિશે જોઈએ. બાલકૃષ્ણ દોશીના કામને બે પ્રકારના નમૂનારૂપ વર્ગમાં વહેંચી શકાય, સંસ્થાઓ અને ઘર. ઔપચારિક રીતે, દોશીની તાલીમ અને એમના અનુભવે એમને એક મોડર્નિસ્ટ ફંક્શનાલિસ્ટ, ટેક્નિક તરફ ધ્યાન આપનાર તરીકે સ્થાન અપાવ્યું. આ મોડર્નિસ્ટ દષ્ટિબિન્દુ આધુનિક સમાજના વિશ્વવ્યાપક વહેણ ઉપર પણ આધારિત હતું, જ્યાં તર્કસંગત ઉપાયોનું સ્થાન, સાંસ્કૃતિક પરંપરા અને સ્થાનિક પરિસ્થિતિઓથી ઉપર હતું.
આની સાથે સાથે પારંપરિક મકાન બનાવવાની રીત, લક્ષણ અથવા ભાષાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા, એથી એ બન્ને વિરોધાભાસી વિચારધારાઓને બદલે એમણે એક જુદો જ માર્ગ શોધ્યો. બાલકૃષ્ણ દોશીએ સ્થાનિક આબોહવા, જીવનપદ્ધતિઓ અને અલગ અલગ મટીરિયલ સાથે કામ કરવાની કલાઓનો પોતાના કામમાં ખૂબ કાળજીપૂર્વક સમાવેશ કર્યો છે. આની સાથે સાથે એમણે આર્કિટેક્ચરના મૂળભૂત સિદ્ધાંતો ઉપરની પોતાની આવડત વડે એક એવું આર્કિટેક્ચર બનાવ્યું, જે સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની સાથે સાથે વૈશ્વિક મોડર્નિસ્ટ ચર્ચામાં મહત્ત્વનું પ્રદાન કરી શકે.
આ નવી પદ્ધતિનું ઉદાહરણ આપણને એમનાં કામોમાં જોવા મળે છે. અમદાવાદમાં આવેલી શ્રેયસ શાળા (1961), સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)નું કેમ્પસ (1968) અને બેંગાલુરુમાં આવેલા ભારતીય પ્રબંધ સંસ્થાન (1983) આ એમના અભિગમનાં આદર્શ ઉદાહરણો છે. ઇતિહાસ કે સમકાલીનતાના રૂઢિચુસ્તવાદના બોજા હેઠળ આવ્યા વિના એક નવીનતાભર્યું આર્કિટેક્ચર કરવા તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થયું. આર્કિટેક્ચરની કલાનાં મૂળભૂત ઘટકતત્ત્વો, જેમ કે તેજ અને છાયા, અંદર અને બહારની જગ્યાની સૂક્ષ્મતા, સપ્રમાણતા અને લયબદ્ધતા, મટીરિયલનો રસપૂર્ણ આનંદ – આ બધું એમનાં દરેક કામોમાં આગવી રીતે પ્રગટ થયાં.
આવું હોવા છતાં એમનું આર્કિટેક્ચર માત્ર એમની કલાનાં મૂળભૂત તત્ત્વો ઉપરના પ્રભુત્વ ઉપર આધારિત નથી. તેઓ સાંસ્કૃતિક સંસ્થાઓની મૂળ વિભાવનાની નવી વ્યાખ્યા કરે છે. શિક્ષણ મેળવવાની જગ્યા અક્કડ વાતાવરણ ઉપર ભાર મૂકતી નથી. જૂના સમયમાં જેમ વિચારાતું કે શિક્ષણની સંસ્થા એક જ્ઞાનની આપ-લે કરવાનું સ્થાન છે. એક ચૌરાહો છે, જ્યાં અનાયાસે ભેટો થાય છે અને ચર્ચાઓ થાય છે. ત્યાંથી જતા-આવતા લોકો ત્યાં કંઈક આપીને પણ જાય છે અને ત્યાંથી કંઈક લઈ પણ જાય છે. સંસ્થાના માળખા અને મૂર્ત સ્વરૂપને એમણે નવી રીતે જોયું છે અને અભિવ્યક્ત કર્યું છે. આ રીતે જોતાં એમનું આર્કિટેક્ચર ખાલી ‘મહાન’ બનીને રહેવા કરતાં, ખરેખર ક્રાંતિકારી અને સર્જનાત્મક બની રહે છે.
એમના કામનો બીજો મહત્ત્વનો પ્રકાર તે ઘર અથવા રહેઠાણ છે. તેઓ ઘરના અનુભવને એક નવી અભિવ્યક્તિ આપવાનો પ્રયાસ કરે છે. શહેરી જીવન વધુ આધુનિક બનવાની સાથે, સમાજ વધુ ને વધુ વ્યક્તિપ્રધાન બની રહ્યો હતો. બાલકૃષ્ણ દોશીએ આ પ્રશ્નની કાળજીપૂર્વક તપાસ કરી. કૌટુંબિક હૂંફ સાચવવાની સાથે સાથે વ્યક્તિગત જગ્યાને કેવી રીતે મહત્ત્વ આપવું? આ ઘરમાં વ્યક્તિ એકાંતની પળો કેવી રીતે માણી શકે? તેઓ ઘરને સુરક્ષિત અને હૂંફભર્યું બનાવવા તરફ ધ્યાન આપે છે. વ્યક્તિપ્રધાન પ્રવૃત્તિઓ અને કૌટુંબિક પ્રવૃત્તિઓ માટેની જગ્યા ચુસ્ત રીતે અલગ અલગ કરવાને બદલે, એકબીજામાં સતત વહેતી રહે છે. આકાશ અને વૃક્ષોથી આચ્છાદિત બાહ્યજગત ઘરની જગ્યાઓની અક્કડતાને ઢીલી કરે છે. તેઓ પોતાના અને પોતાની દીકરીઓના ઘરની ડિઝાઇનમાં આ વિચારોને વિકસાવે છે, દરેક કુટુંબની આગવી રહેણીકરણી ઉપર ભાર મૂકે છે. આ રીતે એમનું આર્કિટેક્ચર માત્ર ભૌતિક સ્વરૂપ ન રહેતાં કૌટુંબિક સંસ્થાની ઊંડી સમજણ વ્યક્ત કરે છે.
અહીં પણ આર્કિટેક્ચરનાં ઘટકતત્ત્વોને (મટીરિયલ, પ્રકાશ, રંગ, સ્પેસની જટિલ ગોઠવણ) ખૂબ સુંદર રીતે વાપરવામાં આવ્યાં છે. આર્કિટેક્ચરનાં આ પાસાંઓનું સુંદર સંમિશ્રણ દરેક ઘરને આગવું અને રસપ્રદ બનાવે છે.
એમના હાઉસિંગ પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામાજિક અભિવ્યક્તિ વચ્ચેનું ખેંચાણ એવી જગ્યાઓને બનાવે છે, જે હળવામળવાની જગ્યાઓની સાથે સાથે અંગત જગ્યાઓને આગવી ઓળખ આપે. વિવિધ હાઉસિંગ અને અર્બન ડિઝાઇનની મહત્ત્વપૂર્ણ યોજનાઓમાં, ખાસ કરીને અરણ્ય હાઉસિંગમાં તો તેઓ કલ્પનાસભર અને નવીનતાભર્યો અભિગમ દર્શાવે છે.
સંસ્થાઓના ઘડવૈયાઃ
બાલકૃષ્ણ દોશી મૂર્ત આર્કિટેક્ચર અને અમૂર્ત આર્કિટેક્ચર – બન્ને સંસ્થાઓ ઘડવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. મલિક વિચારધારાની પહેલ કરનાર એમના મત પ્રમાણે, માણસનો પૃથ્વી સાથેનો સંબંધ, માણસના બીજા માણસો સાથેના રાજકીય, સામાજિક અને વાણિજ્યિક સંબંધો જેવા મૂળભૂત પ્રશ્નો ઊઠવાનો સમય આવી ચૂક્યો હતો. એમણે માત્ર આ પ્રશ્નો ન પૂછ્યા, એમણે ખંતપૂર્વક નવી સંસ્થાઓ બનાવવાની માગ કરી. એમના મત પ્રમાણે, નવા વૈશ્વિક બંધારણની સાથે સાથે નવા પડકારો, જોખમો અને તક આવે છે. આમ સમાજમાં આગવી સંસ્થાઓનો ઉદય જ આનો યોગ્ય પ્રતિભાવ આપી શકે.
આમ બાલકૃષ્ણ દોશીએ શિક્ષણના ક્ષેત્રમાં, નવા પ્રકારની સંસ્થા બનાવવાની દિશા ચીંધતી, સ્કૂલ ઓફ આર્કિટેક્ચરની સ્થાપના કરી. આગળ 40 વર્ષ કે તેથી વધુ વર્ષ માટે, પારંપરિક બીબાંઓને તોડતી સંસ્થાઓના તેઓ ભાગ બન્યા. જે શિક્ષણ, સંશોધન અને ચર્ચાવિચારણાનાં અદ્ભુત કેન્દ્રો બન્યાં. આર્કિટેક્ચરમાં પ્રાથમિક રસ જરૂર હતો, પણ બીજા વિષયોમાં પણ એ રસ દાખવતા. તેઓ માને છે કે જ્ઞાન અલગ અલગ વિષયોમાં વહેંચાયેલું નથી, પણ બધા વિષયો એકબીજાના પૂરક છે, જેના ફળસ્વરૂપે એમણે સ્કૂલ ઓફ પ્લાનિંગ, સ્કૂલ ઓફ બિલિ્ંડગ સાયન્સ, સ્કૂલ ઓફ ઇન્ટીરિયર ડિઝાઇન, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, હરવીટ્ઝ આર્ટ ગેલરી અને હુસેન-દોશી ગુફા (અમદાવાદની ગુફા) જેવી સંસ્થાઓ ઊભી કરવાની પહેલ કરી, આ રીતે સેન્ટર ફોર એન્યવાર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (સેપ્ટ)ની રચના થઈ.
બાલકૃષ્ણ દોશીનું કામ હંમેશાં વિવિધતાપૂર્ણ રહ્યું છે અને એમની કામ કરવાની ઢબ કોઈ ચોક્કસ નામથી ઓળખાવવી મુશ્કેલ છે. શું એ પરંપરાના હિમયતી છે? શું એ નવો ચીલો પાડનાર સર્જક છે? શું એમનું કામ અનુભવગત અને સુરસિક છે? કે પછી બૌદ્ધિક અભિગમથી કંડારેલું છે? ખરેખર આ પ્રશ્નોના ઉત્તર આપવા મુશ્કેલ છે.
આ રીતે જોતાં એમનાં કામોમાં એક ક્લાસિસીસ્ટ તરીકેનાં લક્ષણ જોઈ શકાય છે. આર્કિટેક્ચરના યોગ્ય પ્રકારોનું વ્યવસ્થિત છતાં અનોખું વિવરણ, લયબદ્ધ અને પ્રમાણસર ગોઠવણી, ભૂમિતિ અને સમપ્રમાણતાના સિદ્ધાંતોનો ચીવટપૂર્વક પ્રયોગ, સાદા અને જૂજ સંખ્યામાં મટીરિયલનો અસરકારક ઉપયોગ એ બધાં ક્લાસિકલ આર્કિટેક્ચરનાં ઓજારો છે. આ અભિગમમાં તાતિ્ત્વક અને અમૂર્ત સિદ્ધાંતો પ્રાધાન્ય ઘટકો છે. અલબત્ત, એમના કામમાં આ બધું સરળ રીતે સમાઈ જાય છે અને એનો ભાર છતો થતો નથી. આમ છતાં એમના કોઈ પણ કામનો પ્રત્યક્ષ અનુભવ એક જુદો જ ચિતાર ઊભો કરે છે. સરળ અને રમતિયાળ ભાવ, અટપટા અને જટિલ સંજોગોની મજા, છૂટાછવાયા અને અજુગતા ભાગોનું સંમિશ્રણ કરવાનું સાહસ, અવગણી ન શકાય એવા સંજોગોને કારણે મૂળ વિચારને મઠારવાનું કૌશલ્ય દ્વારા રસ અને ભાવનું પ્રાધાન્ય – આ બધું એમનાં કામોમાં અનુભવાય છે અને તેને ખૂબ પરિપક્વ બનાવે છે.
આર્કિટેક્ચર શરીરના હલનચલનની સાથે અનુભવાય છે, તેથી પ્રત્યક્ષ અનુભવ, બાલકૃષ્ણ દોશી માટે અમૂર્ત અને તાતિ્ત્વક સિદ્ધાંતો જેટલો જ મહત્ત્વનો છે. ભલે એમનું સર્જન ભૂમિતિ અને સમપ્રમાણતાના સિદ્ધાંતો પર અવલંબિત હોવા છતાં આ સર્જન દર્શક અને મકાન અરસપરસના સિદ્ધાંતો પર આધારિત છે. આ સંબંધ નજરના વેધ અને હલનચલનની રીત દ્વારા અનુભવાય છે. હવે એ બૌદ્ધિક અવલોકનને બદલે દૈહિક અનુભવ બની જાય છે.
બાલકૃષ્ણ દોશીના કામનાં 60 વર્ષો દરમિયાન એક સારી જિંદગી, આદર્શ સમાજ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધો વિશેના સવાલોની ખૂબ ઝીણવટભરી તપાસ અને ચર્ચા-વિચારણા થઈ. બાલકૃષ્ણ દોશીએ આ વિષયોમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેમની સર્જનાત્મક દષ્ટિએ આર્કિટેક્ચરની દુનિયા પર અને સામાજિક ક્ષેત્ર ઉપર ખૂબ ગાઢ અસર પાડી છે. (ગુજરાત વિશ્વકોશના સામયિક ‘વિશ્વવિહાર’માંથી સાભાર)

લેખક જાણીતા આર્કિટેક્ટ છે.