‘ક્યૂ’માં ઊભાં-ઊભાં કરેલા વિચારો

સ્વર્ગ-નંબર-2 ના માર્ગો ફંટાય છે તેની પહેલાંના એક પોઇન્ટ પર જીવાત્માઓની લાંબી લાઇન લાગી હતી. આ ચેક પોસ્ટ પર જીવાત્માનાં પાપ-પુણ્યના હિસાબો થાય છે અને જે-તે જીવાત્માને એના કર્માનુસાર સ્વર્ગ-નંબર 2ની ફાળવણી થાય છે સ્વર્ગની અંદર જુદી-જુદી કોટિનાં સ્વર્ગો છે ને નરકની અંદર પણ જુદી જુદી કોટિનાં નરક છે. અતિપુણ્યશાળી જીવાત્માને ફાઇવસ્ટાર સ્વર્ગ મળે છે ને અતિદુષ્ટ જીવાત્માને ફાઇવસ્ટાર નરકમાં ધકેલવામાં આવે છે. લાઇન ઘણી લાંબી હતી એટલે કર્માનુસારની કેટેગરીના પાસ ઇશ્યુ કરવામાં વિલંબ થતો હતો. આ કારણે જીવાત્માઓ અકળાતા હતા, પણ એક જીવાત્મા અત્યંત શાંતિથી લાઇનમાં ઊભો હતો. કેટલીયે વારથી ઊભો હતો છતાં એના ચહેરા પર એકદમ શાંતિ હતી. એનો વારો આવ્યો ત્યારે પાસ ઇશ્યુ કરનાર કર્મચારીએ એને પૂછ્યુંઃ હે જીવાત્મા! આ બધા જીવાત્માઓ અકળાતા હતા અને તું આટલી શાંતિથી કેમ ઊભો હતો? આટલી બધી વાર ઊભાં રહેવું પડ્યું તોય તને અકળામણ ન થઈ?
ના, મને સહેજે અકળામણ નહોતી થતી. જીવાત્માએ જવાબ આપ્યો. કારણ કે હું અમદાવાદની એક મોટી પોસ્ટઓફિસની સેવિંગ્સ બેન્કની લાઇનમાં ઊભો રહેવા ટેવાયેલો છું!
આ રતિલાલ બોરીસાગર નામના જીવાત્માને પણ એક વાર એક હેડ પોસ્ટઓફિસની સેવિંગ્સ બેન્કની લાઇનમાં સવા-દોઢ કલાક તપશ્ચર્યા કરવાની થઈ હતી. લાઇનમાં ઊભા રહ્યા હોઈએ ત્યારે પહેલાં ખૂબ વિચારો આવે છે. જાતજાતના વિચારો આવે છે. અમારા એક મિત્ર લાઇનમાં ઊભા હોય છે ત્યારે એમને આગળ ઊભેલાઓને ચકલી બનાવી ઉડાડી મૂકવાના વિચારો આવે છે!
મને તે દિવસે એવો વિચાર આવતો હતો કે, કેટલાક ભાગ્યશાળી જીવોને બાદ કરતાં ભારતના નાગરિકોની જિંદગીનો કેટલો સમય લાઇનમાં ઊભા રહેવામાં જતો હશે! કેવાં પુણ્ય કરીએ તો પછીના જન્મમાં લાઇનમાં ઊભા રહેવું ન પડે? વગેરે વગેરે… જો કે લાઇનમાં ઊભાં રહ્યાં હોઈએ ત્યારે થોડી વાર માટે જ વિચારો આવે છે.
પછી ધીમે ધીમે મગજ બહેર મારતું જાય છે વિચારો આવવાને બદલે મગજમાં ઘૂમઘૂમ અવાજો આવવા માંડે છે હું કોણ? ક્યાં છું? અહીં શા માટે ઊભો છું? વગેરે આધ્યાત્મિક પ્રશ્નો થવા માંડે છે અને મોટા ભાગના આધ્યાત્મિક પ્રશ્નોની જેમ આ પ્રશ્નોના ઉત્તર સૂતા નથી. ધીમેધીમે મગજ શૂન્ય થવા માંડે છે નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવી ઘણી દુષ્કર છે એમ આપણા યોગશાસ્ત્રોમાં કહેવાયું છે, પણ લાઇનમાં ઊભાં રહેવાથી આવી નિર્વિચાર સ્થિતિ સહેલાઈથી પ્રાપ્ત થાય છે લોકશાહી રાજ્યવ્યવસ્થામાં ક્યૂ યોગ પણ યોગની એક શાખા ગણાય એવું ક્યૂમાં ઊભાં રહેતી વખતે મને લાગે છે ક્યૂ ક્યું? એવો પ્રશ્ન પૂછ્યા વગર ક્યૂમાં શાંતિથી ઊભા રહેવું એ ભારતીય નાગરિકનો ધર્મ છે.
એકવાર પોસ્ટઓફિસની સેવિંગ્સ બેન્કની લાઇનમાં માસિક વ્યાજની પાસબુક ભરાવવા હું ઊભો હતો. વ્યાજ ટૂંકું થતું જાય છે, પણ લાઇનો લાંબી થતી જાય છે કારણ કે નાણાંની સલામતી માટે પોસ્ટઓફિસ હજુ પણ સૌથી વધુ વિશ્વસનીય સ્થાન રહ્યું છે. હું એ દિવસે સવા-દોઢ કલાક લાઇનમાં ઊભો રહ્યો એ દરમિયાન પોસ્ટઓફિસના કર્મચારી બંધુ સતત કામ કરતા રહ્યા. અન્ય સરકારી ખાતાઓના કર્મચારીઓની જેમ એ ચા પીવા ન ગયા – એક પણ વાર નહિ. સહકર્મચારીઓ જોડે એમણે ગપ્પાં ન માર્યાં. બાથરૂમ જવાને બહાને પણ એમણે પોતાની જગ્યા ન છોડી. આ જોઈ મને એમની દયા આવતી હતી. મને થતું હતું કે, હું તો વહેલો-મોડો છૂટી જઈશ લાઇનમાંથી પણ આ બિચારાને તો રોજનું થયું. પ્રભુ બિચારાને સાજો-નરવો રાખે!
બીજા સરકારી ખાતાંઓમાં એક માણસનું કામ હોય ત્યાં ચાર માણસો હોય છે. બેન્કોમાં આટલા બધા કર્મચારી-અધિકારીઓએ વી.આર.એસ. લીધું તોપણ બેન્કનું કામકાજ સારી રીતે ચાલે ે – કદાચ વધારે સારી રીતે ચાલે છે ટપાલખાતામાં ચાર કર્મચારીઓનું કામ હોય ત્યાં કોઈ એકલવીર ઝૂૂમતો હોય છે આ રીતે કર્મચારીઓને તેલનું પાન કરાવી એરંડિયાનું વિમોચન કરાવવમાં ટપાલખાતું ઘણું કુશળ પુરવાર થયું છે.
ટપાલખાતું કેન્દ્ર સરકારનું ખાતું છે તો રેલવે પણ કેન્દ્ર સરકારનું ખાતું છે, પણ મોટાં શહેરોનાં રેલવે સ્ટેશનો પર સિનિયર સિટિઝનોને રિઝર્વેશન લેવા માટે લાંબી લાઇનોમાં ઊભાં રહેવું ન પડે એ માટે અલગ બારીની વ્યવસ્થા હોય છે અને આવી અલગ બારી ન હોય ત્યાં સિનિયર સિટિઝન લાઇનમાં ઊભાં રહ્યા વગર રિઝર્વેશન મેળવી શકે છે જ્યારે ટપાલખાતાને તો સમષ્ટિ ને સર્વ સમાન! ત્રીસ-પાંત્રીસ વર્ષનાં યુવાન-યુવતી હોય કે સાઠ-પાંસઠ વર્ષના સિનિયર સિટિઝન હોય, બધાં માટે એક જ લાઇન! (આમ તો સાઠ-પાંસઠ વર્ષનાં વૃદ્ધ કે વૃદ્ધા એમ લખવું હતું, પણ વૃદ્ધ-વૃદ્ધા કહેવરાવવા કરતાં સિનિયર સિટિઝન કહેવરાવવાનું વૃદ્ધોને ગમે છે એટલે સિનિયર સિટિઝન એમ લખ્યું.) એકાદ એટેક આવી ગયો હોય ને બીજો આવું-આવું થઈ રહ્યો હોય એમને આવી લાંબી લાઇનમાં ઊભાં રહેવું પડે તેથી પહેલાં હું સહેજ નારાજ થતો, પણ પી ધીરે-ધીરે – લાઇનમાં ઊભાં-ઊભાંસ્તો – મને ખ્યાલ આવ્યો કે એક જ લાઇન રાખવા પાછળ ટપાલખાતાની ઘણી ઉચ્ચ ભાવના છે. પચીસ-ત્રીસ વર્ષનાં યુવાન-યુવતી પાછળ ઊભાં રહેવાથી મોટી ઉંમરવાળા નાગરિકને પણ યુવાનીનો અહેસાસ થાય છે.
પાંસઠ-સિત્તેર વર્ષના સિનિયર સિટિઝનને જો ત્રીસ-પાંત્રીસની ઉંમર ફીલ કરવાની ઇચ્છા થાય તો કોઈ પણ મોટી પોસ્ટઓફિસની લાઇનમાં ઊભાં રહેવાની મારી ભલામણ છે. બેસ્ટ લક!

લેખકના પુસ્તક મોજમાં રેવું રે!માંથી સાભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here