કોવિડ-૧૯ઃ ચીન પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકી સેનેટરોએ સંસદમાં રજૂ કર્યું બિલ

વોશિંગ્ટનઃ નવ પ્રભાવશાળી અમેરિકી સેનેટરોના એક સમૂહે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. જેમાં કહેવાયું છે કે જો ચીન કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવાની પાછળના કારણોની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ ન કરાવે અને તેને કાબુમાં કરવા માટે સહયોગ ન આપે તો અમેરિકાના રાષ્ટ્રપતિને ચીન પર પ્રતિબંધ લગાવવા માટે મંજૂરી આપી દેવી જોઈએ. ‘કોવિડ-૧૯ જવાબદારી અધિનિયમ’ બિલને સેનેટર લિંડસે ગ્રાહમે તૈયાર કર્યું છે અને આઠ અન્ય સાંસદોએ તેમાં સાથ આપ્યો છે. આ બિલને મંગળવારે સેનેટમાં રજૂ કરાયું છે. આ બિલમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ૬૦ દિવસની અંદર કોંગ્રેસમાં એ પ્રમાણિત કરશે કે ચીને અમેરિકા, તેના સહયોગીઓ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવા સંયુક્ત રાષ્ટ્ર સંલગ્ન સંસ્થાઓના નેતૃત્વવાળી કોવિડ-૧૯ સંબંધીત તપાસ માટે પૂર્ણ જાણકારી ઉપલબ્ધ નથી કરાવી અને તેણે માંસાહારી વસ્તુઓના વેચાણ કરનારા તે તમામ બજારોને બંધ કરી દીધા હતાં જેનાથી જાનવરોથી મનુષ્યમાં કોઈ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે. તેમાં કહેવાયું છે કે જો રાષ્ટ્રપતિ તેને પ્રમાણિત ન કરે તો તેમને ચીનની સંપત્તિઓ સીલ કરવાનો, મુસાફરી સંબંધિત પ્રતિબંધ લગાવવાનો, વિઝા રદ કરવાનો, અમેરિકી નાણાકીય સંસ્થાઓને ચીની કારોબારને ઋણ આપતા રોકવાનો અને ચીની કંપનીઓને અમેરિકી શેર બજારમાં લિસ્ટેડ કરવા પર રોક જેવા પ્રતિબંધો લાગુ કરવાનો અધિકાર રહેશે.