‘કોવિડ’ અંગે વુહાનને ક્લિનચીટ!

 

વુહાનઃ કોવિડ-૧૯ વાઇરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલી આંતરરાષ્ટ્રીય તથા ચીની વૈજ્ઞાનિકોની ટીમે આ વાઇરસના એક ચીની પ્રયોગશાળામાંથી ફેલાવાની સંભાવના વ્યક્ત કરતી ધારણા દર્શાવતા સિદ્ધાંતને મંગળવારે ફગાવી દીધો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન?(WHO)ના ખાદ્ય સુરક્ષા તથા જંતુ રોગ નિષ્ણાત પીટર બેન એમ્બારેકે મધ્ય ચીનના શહેર વુહાનમાં કોરોના વાઇરસના સંભવિત રીતે ઉત્પન્ન થવા પર વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ આમ જણાવ્યું હતું. ચીનના વુહાન શહેરની મુલાકાત લેનાર WHO ટીમે જાહેર કર્યું છે કે ડિસેમ્બર ર૦૧૯ પહેલા આ શહેરમાં કોવિડ ૧૯ વાઇરસના કોઈ સંકેત મળ્યા નથી. WHO અને ચીની નિષ્ણાતોની ટીમે મંગળવારે આ મામલે પ્રકાશ ફેંક્યો હતો. ચીની ટીમના પ્રમુખ લિયાંગ વેનિઆને કહ્યું કે ડિસેમ્બર ર૦૧૯ પહેલા અહીંના લોકોમાં સાર્સ કોવિડ ૧૯ વાઇરસના કોઈ સંકેત ન હતા. એ બાબતના પુરતા પુરાવા મળ્યા નથી કે આ સમય પહેલા વુહાનમાં વાઇરસ ફેલાયો હતો.WHO ટીમે તાજેતરમાં વુહાનની મુલાકાત લઈ અહીંની વાયરોલોજી લેબની મુલાકાત લીધી હતી. 

WHO ટીમના પ્રમુખ પીટર બેન એમ્બેરેકે વુહાન લેબની મુલાકાતના એક દિવસ બાદ કહ્યું કે જે પ્રકારના વૈશ્વિક દાવા કરાઈ રહ્યા છે તેના કોઈ તથ્યો વુહાનમાં મળ્યા નથી. ચીની વૈજ્ઞાનિકો સાથે વિસ્તારથી વાતચીત થઈ છે અને તેમણે દાવાઓને તર્કહિન ગણાવી આવી તપાસમાં સમયનો વેડફાટ ન કરવા અપીલ કરી છે. આ પહેલા વુહાનને કોરોના મહામારીના સ્રોત તરીકે પ્રસ્તુત કરાઈ રહ્યું હતું. અહીંની લેબના વૈજ્ઞાનિકો દુનિયાની ઘણી ખતરનાક બીમારીઓ પર રિસર્ચ કરી ચૂક્યા છે જેમાં કોવિડ ૧૯ની જેમ બેટ (ચામાચિડિયા) કોરોના વાઇરસનો સ્ટ્રેન પણ સામેલ હતો.