કોલંબસમાં દેશભરના ડોક્ટરોની હાજરીમાં ‘આપી’નું 36મું વાર્ષિક અધિવેશન

0
1326
ઓહાયોના કોલંબસમાં આયોજિત આપીના 36મા વાર્ષિક અધિવેશનમાં ડો. નરેશ પરીખ (જમણેથી પાંચમા), ડો. ગૌતમ સમાદર (જમણેથી ચોથા) સહિત મહાનુભાવો. ડો. નરેશ પરીખે ડો. સમાદર પાસેથી આપીના પ્રેસિડન્ટનો ચાર્જ સંભાળ્યો હતો.

કોલંબસઃ ઓહાયોના કોલંબસમાં ગ્રેટર કોલંબસ કન્વેન્શન હોલમાં સાતમી જુલાઈએ આયોજિત અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)ના 36મા વાર્ષિક અધિવેશનમાં કાર્ડિયોલોજિસ્ટ-ઉદ્યોગસાહસિક-સામુદાયિક અગ્રણી ડો. નરેશ પરીખે ‘આપી’ના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર દિવસના આ અધિવેશનમાં સમગ્ર અમેરિકામાંથી 1700થી વધારે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ડો. પરીખ સાથે એક્ઝિક્યુટિવ કમિટીમાં ડો. સુરેશ રેડ્ડી (ચૂંટાયેલા પ્રમુખ), સુધાકર જોનાલાગડ્ડા (વાઇસ પ્રેસિડન્ટ), અનુપમા ગોટીમુકુલા (સેક્રેટરી), ડો. અંજના સમાદર (ટ્રેઝરર), ડો. અજિત કોઠારી (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન)એ હોદ્દો સંભાળ્યો હતો.

ડો. નરેશ પરીખ (છેક જમણે) સાથે અન્ય મહાનુભાવોમાં ડો. સંપત શિવાંગી (છેક ડાબે), પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ચેરમેન-ફાઉન્ડર પદ્મશ્રી ડો. સુધીર પરીખનાં પત્ની ડો. સુધા પરીખ (વચ્ચે) નજરે પડે છે.

આપીના નવા વરાયેલા પ્રમુખ ડો. નરેશ પરીખે જણાવ્યું હતું કે હું મારો સમય, ઊર્જા અને બુદ્ધિનો ઉપયોગ ‘આપી’ને વધુ ને વધુ ઊંચાઈએ લઈ જવા માટે, સભ્યસંખ્યા વધારવા માટે કરીશ. અમે બધા સાથે મળીને કામ કરીશું અને વધુ ને વધુ ફિઝિશિયનો-ડેન્ટિસ્ટોને ‘આપી’માં જોડાવવા માટે પ્રોત્સાહિત કરીશું.
વિદાયમાન પ્રમુખ ડો. ગૌતમ સમાદરે પોતાના પ્રવચનમાં ‘આપી’ના અગ્રણીઓ સાથેની કામગીરીને યાદગાર અનુભવ તરીકે ગણાવ્યો હતો. તેમણે પોતાની સિદ્ધિઓ ગણાવી હતી, જેમાં કોલકાતાની ગ્લોબલ હેલ્થ સમિટ, વેસ્ટ બેંગાલના હેલ્થ ક્લિનિકનો પ્રારંભ, આફ્રિકન સફારી, વેટરન્ટ ઓબેસિટી એન્ડ લ્યુકેમિયા સોસાયટીમાં પ્રદાન, ઇન્ડિયા ડે પરેડ, લીડરશિપ સેમિનારનો સમાવેશ થતો હતો.
લંચઓન દરમિયાન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ (ડી-ઇલિનોઇસ) દ્વારા સૌથી વધુ ઝડપથી વિકસતા ભારતીય-અમેરિકન સમુદાય વિશે વાત કરી હતી.
ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તીએ પોતાના ચાવીરૂપ વક્તવ્યમાં ભારતીય અમેરિકન ફિઝિશિયનોની પ્રતિબદ્ધતા, સમર્પણ, ખાસ કરીને ઇન્ડો-યુએસ રિલેશનશિપને આગળ લઈ જવામાં પોતાના પ્રદાન બદલ પ્રશંસા કરી હતી.
અધિવેશનની શરૂઆતમાં પાંચમી જુલાઈએ ઉદ્ઘાટન સમારંભમાં કોલંબસના મેયર એન્ડ્રુ જે. ગિન્થર આચાર્ય લોકેશ મુનિ સાથે જોડાયા હતા.
મેયર ગિન્થરે દેશમાં, ખાસ કરીને ઓહાયોમાં પ્રદાન કરવા બદલ ભારતીય-અમેરિકન ફિઝિશિયનોની કામગીરીની પ્રશંસા કરી હતી.
આચાર્ય લોકેશ મુનિએ જ્ઞાનના આદાનપ્રદાન માટે આ પ્રકારના અધિવેશનનું આયોજન કરવું જરૂરી છે તે વાત પર ભાર મૂક્યો હતો.
ભારતથી આવેલા સાંસદ વલ્લભભાઈ કથીરિયાએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે ભારતીય મૂળના ફિઝિશિયનો તેઓની લાગણી, દર્દીઓ પ્રત્યેનું સમર્પણ, મેડિકલ સ્કિલ, સંશોધન, નેતૃત્વ માટે દુનિયાભરમાં પ્રખ્યાત થયેલા છે.
પોતાના પ્રવચનમાં વલ્લભ કથીરિયાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં ‘પ્રેરણાત્મક’ નેતૃત્વની પ્રશંસા કરી હતી. તેમણે ‘આપી’ને ભારતમાં ‘આપી’ ચેર સ્થાપવા વિનંતી કરી હતી.
આગામી પ્રમુખ ડો. નરેશ પરીખે કહ્યું કે તેઓ વર્ષ દરમિયાન ત્રણ મુખ્ય બાબતોને પ્રાથમિકતા આપશે. 1. ઓપીઓઇડ એકેડેમીક એન્ડ અવેરનેસ (ડોે. કવિતા ગુપ્તા અને ડો. સંજય ગુપ્તાનું સંયોજન), 2. લિમ્ફોમા અને લ્યુકેમિયા રિસર્ચ (ડો. વિનોદ શાહનું નેતૃત્વ), 3. સાઇલેન્ડ એપીડેમીક ટીવી ઇન ઇન્ડિયા (મુંબઈમાં 28મીથી 30મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ગ્લોબલ હેલ્થ સમિટમાં આ વિશે ભાર મુકાશે.)

અધિવેશન દરમિયાન આપી ચેરિટેબલ ફાઉન્ડેશનની કામગીરી પ્રદર્શિત કરવામાં આવી હતી.
અધિવેશનમાં રાજા કૃષ્ણમૂર્તિ અને ડો. સંજુ ભાગ્યનું સમાજ અને ‘આપી’ પ્રત્યે પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ઓહાયોના એકમાત્ર ભારતીય-અમેરિકન રિપબ્લિકન સ્ટેટ રિપ્રેઝન્ટેટિવ નીરજ અંતાણી દ્વારા આપીને પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતું.
મીસ્ટિક ઇન્ડિયા દ્વારા ફેશન શોનું આયોજન થયું હતું. આ પછી મેડિકલ એજ્યુકેશન સેમિનારો, મેડિકલ સ્કૂલ એલમની મિટિંગ, પ્રવચનો યોજાયાં હતાં. કન્વેન્શન કમિટીના ચેર ડો. જોન જોહન્સને લોકલ ચેપ્ટરની તેની અથાગ કામગીરી બદલ પ્રશંસા કરી હતી.