કોરોના હવાથી ફેલાય છે, છ ફૂટ દૂરથી પણ ફેલાઈ શકેઃ અમેરિકન મેડિકલ સંસ્થા

 

નવી દિલ્હીઃ કોવિડ-૧૯ વાઇરસના કણો બહુ જ નાના હોય છે અને તે હવા દ્વારા પણ ફેલાય છે એવી સ્પષ્ટતા યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કરી છે. અમેરિકાની ટોચની મેડિકલ સંસ્થાએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ફેલાવાનું સૌથી વધુ જોખમ ત્રણથી છ ફૂટના અંતરે હોય છે.

ટોચની અમેરિકન મેડિકલ સંસ્થાએ જણાવ્યું હતું કે, લોકો ઉચ્છવાસ (સામાન્ય શ્વાસોચ્છવાસ, કસરત, કફ, છીંક વગેરે)માં જુદાજુદા કદના ડ્રોપલેટ્સ બહાર કાઢે છે. આ ડ્રોપલેટ્સ સુકાય ત્યારે એરોસોલ પાર્ટિકલ્સ બને છે અને લાંબો સમય સુધી હવામાં રહી શકે છે. અંતરમાં વૃદ્ધિની સાથે ચેપનું જોખમ ઘટે છે. જોકે, છ ફૂટથી વધુ અંતર હોય તો સંક્રમણ ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે.

અમેરિકાની મેડિકલ સંસ્થાના જણાવ્યા અનુસાર વ્યક્તિ ઘરની અંદર અથવા બંધ રૂમમાં વધુ સમય માટે (૧૫ મિનિટથી વધુ અને કેટલાક કિસ્સામાં કલાકો સુધી) ઉચ્છવાસ બહાર કાઢે તો હવામાં પૂરતા પ્રમાણમાં વાઇરસ એકત્રિત થાય છે અને એ સ્થિતિમાં છ ફૂટથી દૂરના અંતરે પણ સંક્રમણ ફેલાઈ શકે છે. અમુક કિસ્સામાં સંક્રમિત વ્યક્તિ થોડી વાર પહેલાં જ એ જગ્યાથી નીકળી હોય અને તરત બીજી વ્યક્તિ આવે તો તેને પણ વાઇરસનો ચેપ લાગવાનું જોખમ રહે છે. અમેરિકન સંસ્થાએ જણાવ્યું હતું કે, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, યોગ્ય માસ્ક, પૂરતું વેન્ટિલેશન તેમજ ભીડવાળી બંધ જગ્યાઓએ જવાનું ટાળવાથી વાઇરસથી બચી શકાય છે. હાથ અથવા વિવિધ સપાટીઓ દ્વારા વાઇરસના સંક્રમણને રોકવા વારંવાર હાથ ધોવા જરૂરી છે અને આસપાસની યોગ્ય સફાઈ કરવી જોઇએ.