કોરોના સામે જિલ્લા જીતશે તો દેશ જીતશેઃ વડા પ્રધાન મોદી

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરના કેર વચ્ચે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અનેક રાજ્ય અને જિલ્લાઓના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને કોરોનાને રોકવા છૂટો દોર આપતાં કહ્યું હતું કે કોરોનાને રોકવા જે થઈ શકતું હોય તે બેધડક કરવામાં આવે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમ્યાન અધિકારીઓ પાસેથી કોવિડ-૧૯ના સામનાને લઈને તેમના અનુભવો જાણ્યા હતા. તેમણે ગ્રામીણ ક્ષેત્રોમાં કોરોનાવાઇરસ સંક્રમણને અટકાવવા પર ભાર આપતાં સૂચનો પણ કર્યાં હતાં. અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાના જિલ્લામાં કોવિડ પર નિયંત્રણ કરે, દેશમાં આપોઆપ કોરોના પર નિયંત્રણ આવી જશે. વડા પ્રધાને અધિકારીઓને ‘ફિલ્ડ કમાન્ડર’ ગણાવતાં કહ્યું કે તમે બધા ભારતની આ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છો. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ પોત-પોતાના જિલ્લામાં કોવિડના સંક્રમણને ઓછું કરવા જે પણ પગલાં ભરવા માગે તે પગલાં ભરી શકે છે. તેમણે કહ્યું કે મારા તરફથી તમને પૂરી છૂટ છે. કોવિડ ઉપરાંત તમારે તમારા જિલ્લાના દરેક નાગરિકના ‘ઈઝ ઓફ લિવિંગ’નું પણ ધ્યાન રાખવાનું છે. આપણા દેશમાં જેટલા જિલ્લા છે તેટલા જ અલગ-અલગ પડકારો છે. એટલે જ્યારે તમારો જિલ્લો જીતે છે, દેશ પણ જીતે છે. જયારે તમારો જિલ્લો કોરોનાને હરાવે છે, તો દેશ કોરોનાને હરાવે છે. વડા પ્રધાન સાથેની બેઠકમાં દિલ્હી, બિહાર, આસામ, કર્ણાટક, ચંદીગઢ, ઉત્તરાખંડ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રીઓ અને જિલ્લા કલેકટર જોડાયા હતા.