કોરોના સામે ગુજરાત સાવચેતઃ બે સપ્તાહ સુધી શાળા-કોલેજ-સિનેમાગૃહો બંધ

 

અમદાવાદઃ ચીન, અમેરિકા, સ્પેન, ઇટાલી, ઇંગ્લેન્ડ, ભારત સહિત વિશ્વભરમાં માથું ઊંચકી રહેલા કોરોના વાઇરસનો એકપણ પોઝિટિવ કેસ હાલ ગુજરાતમાં નોંધાયો નહિ હોવા છતાં રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે રાજ્યમાં સામૂહિક સ્થળો પર એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

એ અનુસંધાનમાં રાજ્ય સરકારે સોમવારે એક મોટો નિર્ણય લીધો હતો, જે મુજબ મંગળવારથી બે સપ્તાહ સુધી તમામ શાળા, કોલેજો, થિયેટરો વગેરે બંધ રહેશે. આ સંદર્ભે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી.

મુખ્ય સચિવ અનિલ મુકિમ અને આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિએ આ બેઠકની વિગતો પત્રકાર પરિષદમાં આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્ત્વના નિર્ણયો કર્યા છે. આને લઈને રાજ્ય સરકાર આગામી મહત્ત્વના સમય સુધી સાવચેતીનાં તમામ પગલાં   લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અનુસાર, રાજ્યમાં શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિકકાર્ય મંગળવારથી બે સપ્તાહ સુધી બંધ રહેશે. જોકે હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે એ યથાવત્ રહેશે. એટલું જ નહિ, મલ્ટીપ્લેક્સ અને રાજ્યનાં સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ પણ બંધ રહેશે. તેમજ આંગણવાડી પણ બે સપ્તાહ સુધી બંધ રાખવાના આદેશ સાથે શાળા અને કોલેજોની આંતરિક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.

એટલું જ નહિ, રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો ૫૦૦ રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ, સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ, ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી નહિ યોજવા પણ અનુરોધ કર્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને શાળા-સંચાલકોએ સ્વીકારીને આવકાર્યો હતો. ગુજરાતના ડોક્ટરોએ અને ધાર્મિક સંસ્થાનોએ પણ સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને આવકાર્યો હતો. (ગુજરાત ટાઈમ્સ સંકલન)