કોરોના સામેની લડાઈમાં કેનેડાએ ભારતને ૬૦ કરોડની સહાય આપી

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સામે લડી રહેલા ભારતને મદદ કરવા માટે દુનિયાના વિવિધ દેશો આગળ આવી રહ્યા છે. જેમાં કેનેડાનો પણ ઉમેરો થયો છે. કેનેડાએ ભારતને ૬૦ કરોડ રૂપિયાની મદદ કરવાનુ એલાન કર્યુ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે, આ નાણાંકીય મદદમાંથી ભારતને એમ્બ્યુલન્સ, પીપીઈ કિટ અને બીજા જરૂરી સામાન ખરીદવામાં મદદ મળશે. આ રકમ કેનેડાની રેડ ક્રોસ સોસાયટી થકી ભારતની રેડ ક્રોસ સોસાયટીને મોકલવામાં આવશે. વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, ભારતમાં જે પ્રકારની સ્થિતિ છે તેનાથી કેનેડાના નાગરિકો ચિંતિત છે. અમને ખબર છે કે ત્યાં અમારા મિત્રો છે અને તેમને મદદ કરવાની છે. આ માટે ભારત સાથે સતત વાતચીત ચાલુ જ છે. કેનેડાથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાઓ પણ મોકલવાની તૈયારી થઈ રહી છે.