કોરોના સામેની લડતમાં ન્યુ ઝીલેન્ડ મુક્ત, પ્રતિબંધો હટ્યા

 

વેલિન્ગટનઃ કોરોના સામેની લડતમાં ન્યૂ ઝીલેન્ડે જીત મેળવી લીધી છે. ન્યૂ ઝીલેન્ડ હવે સંપૂર્ણ રીતે કોરોના મુક્ત થઈ ગયું છે. સરકારે નિવેદન બહાર પાડીને કહ્યું છે કે વાઇરસના એક પણ એક્ટિવ કેસ નથી. આ જ કારણે તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. ન્યૂ ઝીલેન્ડ હવે સતર્કતા લેવલ-૧માં પહોંચી ગયું છે. જે દેશના અલર્ટ સિસ્ટમમાં સૌથી નીચલું લેવલ છે. 

ન્યૂ ઝીલેન્ડની સરકારે કહ્યું કે હવે લોકોના આયોજનોમાં ભેગા થવા પર કોઈ રોક નથી. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોની પણ કોઈ જરૂર નથી. જો કે સુરક્ષા કારણોસર દેશની સરહદો હજુ પણ વિદેશીઓ માટે બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ન્યૂ ઝીલેન્ડમાં છેલ્લા બે અઠવાડિયાથી પણ વધુ સમયથી કોરોના વાઇરસનો એક પણ કેસ સામે આવ્યો નથી. 

વડાં પ્રધાન જેસિન્ડા અર્ડને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાઇરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા. તેમણે કહ્યું કે ‘આપણે એક સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જો કે હાલ કોરોના વાઇરસથી પહેલાની સ્થિતિમાં પાછું ફરવું સરળ નથી પરંતુ હવે સંપૂર્ણ ફોકસ સ્વાસ્થ્ય પ્રણાલીની જગ્યાએ આર્થિક વિકાસ પર રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે હજુ અમારું કામ ખતમ થયું નથી. પરંતુ તેનાથી ઈન્કાર ન કરી શકાય કે આ એક શાનદાર ઉપલબ્ધિ છે.

બીજી બાજુ દુનિયાના અન્ય ભાગોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. અમેરિકામાં સ્થિતિ સતત બગડી રહી છે. સંક્રમણની સાથે સાથે તેનાથી થનારા મોતની સંખ્યા પણ વધી છે. અત્યાર સુધીમાં  ૧૬,૨૪૬,૭૭૧ કેસ અને  ૨૯૯,૪૯૩ લોકોના મોત થયા છે. વૈશ્વિક સ્તરે પ્રકોપની વાત કરીએ તો જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ કોરોના વાઇરસ કેસની કુસ સંખ્યા ૭.૨૨ કરોડથી વધુ થઈ છે. જ્યારે ૧૬.૧ લાખથી વધુ લોકોના મોત થયા છે. સંક્રમણના કેસ મામલે ભારત ૯,૮૫૭,૦૨૯ કેસ સાથે બીજા નંબરે છે. જ્યારે દેશમાં મૃત્યુની સંખ્યા ૧.૪૩ લાખથી વધુ છે.