કોરોના સામેના જંગમાં સેનાના નિવૃત્ત તબીબો મોરચો સંભાળશે

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સાથે સોમવારે બેઠક યોજી હતી. તેમાં કોવિડ-૧૯ મહામારી પર કાબુ કરવા માટે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. 

બિપિન રાવતે વડા પ્રધાન મોદીને જણાવ્યું કે સુરક્ષા દળોમાંથી છેલ્લા બે વર્ષમાં સેવાનિવૃત્ત થયેલા તમામ મેડિકલ કર્મચારીઓ પોતાના ઘરોની આસપાસમાં આવેલા કોવિડ-૧૯ સેન્ટર્સમાં કામ કરશે. ભારત સરકાર દ્વારા જારી નિવેદનમાં જણાવ્યા મુજબ કમાન્ડ, કોર, ડિવિઝન અને નેવી અને એરફોર્સ સહિત અન્ય દળમાં તૈનાત તમામ મેડિકલ ઓફિસરને હોસ્પિટલોમાં તૈનાત કરવામાં આવશે.

હોસ્પિટલોમાં ડોક્ટર્સની મદદ કરવા માટે મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવી રહ્યો છે. સશસ્ત્ર દળોના જુદા જુદા પ્રતિષ્ઠાનોની પાસે ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલોને આપવામાં આવશે. સેના મોટી સંખ્યામાં મેડિકલ સેન્ટર તૈયાર કરી રહી છે, જ્યાં પણ શક્ય બનશે, સેનાની મેડિકલ સુવિધાઓ સામાન્ય નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાવતની સાથે વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ દેશ-વિદેશથી ઓક્સિજન અને અન્ય જરૂરી સાધન સામગ્રીની ઈન્ડિયન એરફોર્સ દ્વારા પરિવહનની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.