મુંબઈઃ સમાજ માટે હાલમાં કોરોના વાઇરસ એક દુશ્મન સમાન છે અને સીમા પર બેસીને વાઇરસ આવવાની રાહ જોવાને બદલે કેન્દ્ર સરકારે સર્જિકલ સ્ટ્રાઇકની જેમ તેના પર ત્રાટકવું જોઇએ, એમ હાઇ કોર્ટે બુધવારે જણાવ્યું હતું. આ સિવાય હાઇ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ઘરની પાસે વેક્સિનેશન સેન્ટરની યોજના એવી છે જેમ કે સેન્ટર સુધી કોરોના પહોંચે ત્યાં સુધી તેની રાહ જોતા રહેવું. કોરોના વાઇરસ આપણો સૌથી મોટો શત્રુ છે. તેને તોડી પાડવાની જરૂર છે. સરકાર લોકોના કલ્યાણ માટે મોટા પાયે નિર્ણયો લીધા છે, પરંતુ તેમાં વિલંબ થયો છે અને તેને કારણે અનેકના જીવ ગયા છે, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું. ૭૫ વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો તથા પથારીવશ લોકોને ઘરે-ઘરે જઇને વેક્સિન આપવા સાથે બે વકીલ ધ્રુતી કાપડિયા અને કુનાલ તિવારી દ્વારા કરાયેલી જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઇ કોર્ટે ઉક્ત નિવેદન કર્યું હતું. કેન્દ્ર સરકારે મંગળવારે કોર્ટને જણાવ્યું હતું કે હાલના તબક્કે ઘરે-ઘરે વેક્સિન આપવાનું શક્ય નથી, પરંતુ લોકોને તેમના ઘરની નજીક જ વેક્સિન મળી રહે એવા પગલાં લેવામાં આવ્યા છે. બુધવારે કોર્ટે ઘરે-ઘરે જઇને વેક્સિન આપવા માટે કેરળ, જમ્મુ-કાશ્મીર, બિહાર અને ઓડિશા તથા વસઇ-વિરાર પાલિકા જેવી અમુક મહાપાલિકાના ઉદાહરણ પણ આપ્યા હતા.