કોરોના વાઇરસ પર રિસર્ચ કરી રહેલા રિસર્ચરની ગોળી મારી હત્યા કરી દેવાઈ

 

બેઇજિંગઃ વૈશ્વિક કોરોના મહામારી પર રિસર્ચ કરી રહેલા અને ટૂંક જ સમયમાં આ અંગે મહત્ત્વનો ખુલાસો કરવાનો દાવો કરનારા એક ચીની રિસર્ચરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ચીનના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલા કોરોના વાઇરસે દુનિયાના મોટાભાગના દેશોમાં આતંક મચાવતા લાખો લોકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ વિખેરી નાંખી છે. 

આ વાઇરસના ફેલાવાને લઇને ચીન પહેલેથી જ દુનિયામાં બદનામ થઇ રહ્યું છે એવામાં એક ચીની રિસર્ચરની હત્યાની ઘટના ચીની પ્રશાસન સામે સવાલ ઉભા કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પિટસબર્ગ મેડિકલ સેન્ટરમાં કાર્યરત રિસર્ચર ડો. બિંગ લિઉએ કોરોના વાઇરસને લઇને મહત્ત્વની શોધ કરી લીધી હતી, પરંતુ તેનો ખુલાસો કરે એ પહેલા જ તેમની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, કોરોના વાઇરસને લઇને તેઓ કઇ મહત્ત્વની શોધ કરી ચૂક્યા હતા જેના ખુલાસાના ભયે તેમની હત્યા કરી દેવામાં આવી. બિંગ લિઉની હત્યા કરનારાએ પાછળથી પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. યુનિવર્સિટી ઓફ પિટસબર્ગ મેડિકલ સેન્ટરે રિસર્ચરની હત્યા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે કોરોના વાઇરસને લઇને લિઉ એક મહત્ત્વની શોધના પરિણામ સુધી પહોંચી ગયા હતા, તેઓ ટૂંક સમયમાં કોરોનાનો ઇલાજ શોધી લે એવી સંભાવના હતી.