
નવી દિલ્હીઃ દર વર્ષની જેમ દેશ હોળીના રંગમાં રંગાવા માટે તૈયાર છે, પણ બીજી તરફ કોરોના વાઇરસને લઈને લોકોમાં ડરનો માહોલ છે. છેલ્લા બે દિવસમાં કોરોના વાઇરસ ભારતમાં ઝડપથી ફેલાયો છે. કોરોના વાઇરસથી બચવા માટે સાવધાની ખૂબ જરૂરી છે.
ભારતમાં વધતા કોરોના વાઇરસના મામલાને લઈને રાષ્ટ્રપતિ ભવન આ વખતે હોળીનો તહેવાર ઊજવશે નહિ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે સાવધાની અને સુરક્ષાના ઉપાયોની સાથે આપણે બધા કોરોના વાઇરસ (ઘ્બ્સ્ત્ઝ઼-૧૯)ના પ્રકોપને રોકવામાં મદદ કરી શકીએ. સાવચેતીના ભાગરૂપે રાષ્ટ્રપતિ ભવન આ વખતે પરંપરાગત હોળી સમારોહનું આયોજન કરશે નહિ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિશ્વભરના નિષ્ણાતોએ કોરોના વાઇરસના પ્રસારથી બચવા માટે સામૂહિક કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે, તેથી મેં આ વર્ષે કોઈ હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.
પીએમ મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હોળી સમારોહથી દૂર રહેવાની વાત કરી છે.
કોરોના વાઇરસને કારણે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે હોળી ભારતીયો માટે એક ખૂબ મહત્ત્વપૂર્ણ તહેવાર છે, પરંતુ કોરોના વાઇરસને કારણે મેં આ વર્ષે કોઈપણ હોળી સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. હું તમામ લોકોને જાહેર સમારોહથી દૂર રહેવા અને પોતાના પરિવારનું ધ્યાન રાખવાની અપીલ કરું છું.
જેપી નડ્ડાએ કહ્યું હતું કે વિશ્વ કોરોના વાઇરસનો સામનો કરી રહ્યું છે. દેશ અને સ્વાસ્થ્ય વિભાગ સંયુક્ત રૂપથી એના પ્રસારને રોકવા માટે કાર્ય કરી રહ્યા છે. એને ધ્યાનમાં રાખતાં આ વર્ષે હું હોળી ઊજવીશ નહિ તેમજ હોળી મિલન સમારોહનું આયોજન પણ નહિ કરું. આ સાથે તેમણે કહ્યું હતું કે સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો. તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ વર્ષે હોળી ન ઊજવવાનો નિર્ણય લીધો છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)