કોરોના વાઇરસનું ત્રીજું મોજું આ મહિને જ શરૂ થઇ શકે છેઃ નિષ્ણાતોએ આપી ચેતવણી

 

મુંબઇ : દેશમાં કોરોના વાઇરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાનું નવું, નાનું મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતોએ આપી છે. એપ્રિલ-મે મહિનામાં કોવિડ-૧૯ના બીજા મોજાએ દેશભરમાં હાહાકાર મચાવ્યા પછી કેસો ખૂબ ઓછા થઇ ગયા હતા, પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને કેરળમાં કેસો ફરીથી વધવા માંડ્યા છે ત્યારે આ નિષ્ણાતોએ આગાહી કરી છે કે કોરોના વાઇરસના રોગચાળાનું ત્રીજું મોજું આ મહિને જ શરૂ થઇ શકે છે અને ઓકટોબરમાં તેની પિક આવી શકે છે.

આઇઆઇટી હૈદરાબાદ અને આઇઆઇટી કાનપુરના નિષ્ણાતો અનુક્રમે મથુકુમાલી વિદ્યાસાગર અને મનીન્દ્ર અગ્રવાલે એક ગાણિતીક મોડેલના આધારે આગાહી કરી છે કે કોવિડ-૧૯નું નવું પરંતુ બીજા મોજા કરતા નાનું મોજું આ મહિને શરૂ થઇ શકે છે. તેમણે અંદાજ બાંધ્યો છે કે આ મોજામાં સારામાં સારા સંજોગોમાં દરરોજના એક લાખ કરતા ઓછા કેસો નીકળી શકે છે, જ્યારે સૌથી ખરાબ સંજોગોમાં દરરોજના લગભગ ૧,પ૦,૦૦૦ કેસો નીકળી શકે છે. 

સોથી હાઇ કોવિડ રેટ ધરાવતા રાજ્યો જેવા કે કેરળ અને મહારાષ્ટ્ર ચિત્ર બદલી શકે છે એમ વિદ્યાસાગરે જણાવ્યું હતું. આ ત્રીજું મોજું બીજા મોજા કરતા કેસોની બાબતમાં ઘણું નાનું હોઇ શકે છે.