કોરોના મહામારીને લીધે ચાર ધામની યાત્રા સ્થગિત રખાઈ

 

દેહરાદૂનઃ કોરોના મહામારીને પગલે સંક્રમણમાં અસાધારણ વધારો થતા આગામી મહિને ઉત્તરાખંડમાં યોજાનારી પવિત્ર ચારધામની યાત્રા સ્થગિત રાખવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ગુરુવારે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયે કોરોનાના કેસોમાં વધારાને પગલે હાલ ચાર ધામની યાત્રા યોજી શકાય તેમ નથી.

જો કે પ્રસિદ્ધ ચારધામના મંદિરોના કપાટ નિયત સમય મુજબ ખોલવામાં આવશે. મંદિરના કપાટ ફક્ત પૂજારીઓ માટે ખુલશે જેઓ પૂજાપાઠ કરી શકશે. ભક્તોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચાર ધામ આવેલા છે. મુખ્યમંત્રી રાવતે ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં અધિકારીઓ ઉપરાંત પ્રવાસન ધાર્મિક બાબતોના મંત્રી સતપાલ મહારાજ પણ હાજર હતા. બેઠકમાં મેના બીજા સપ્તાહમાં યોજાનારી ચાર ધામ યાત્રાને સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થયા બાદ ચાર ધામ યાત્રા યોજવા અંગે પુનઃ વિચારણા કરવામાં આવશે