કોરોના બાદ ફેલાઈ વધુ એક જીવલેણ બીમારી, ચીન તરફ ચીંધાઈ આંગળી

 

સોમાલીઃ દુનિયાભરમાં હાલમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. હજી એની દવા શોધાઈ નથી ત્યાં હવે એક નવી જીવલેણ બીમારીએ માથું ઊંચક્યું છે. જોગાનુજોગ કોરોના વાઇરસની માફક આ બીમારીને લઈને પણ ચીન તરફ જ આંગળી ચીંધાઈ રહી છે.

આ બીમારીમાં લોકોને નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડે છે. આંખો પીળી પડવા માંડે છે. શરીર સૂજી જાય અને પછી થોડા જ સમયમાં લોકો મોતને ભેટે છે. આ માટે લોકો ચીનને જવાબદાર ઠેરવી રહ્યા છે. આફ્રિકી દેશ ઇથોપિયામાં એક ખતરનાક રહસ્યમયી બીમારીએ જન્મ લીધો છે. આ બીમારીનો ભોગ બનનારા લોકોનાં નાક-મોઢામાંથી લોહી નીકળવા લાગે છે અને બાદમાં તેમનું મૃત્યુ થાય છે. સ્થાનિક લોકોએ આ અજ્ઞાત બીમારી માટે ચીની તેલ ડ્રિલિંગમાંથી નીકળતા ટોક્સિક વેસ્ટને જવાબદાર ઠેરવ્યા છે. આ બીમારી કથિતરૂપે સોમાલી ખાતે એક ગેસ પ્રોજેક્ટ આવેલો છે, એની નજીકનાં ગામોમાં ફેલાઈ છે. લોકોના કહેવા પ્રમાણે, સૌપ્રથમ બીમારીનો ભોગ બનનારા પીડિતોની આંખો પીળી થઈ જાય છે. ઉપરાંત તાવ આવતાં પહેલાં આખા શરીરમાં સોજા આવી જાય છે અને અંતમાં મૃત્યુ થાય છે. આ અજ્ઞાત બીમારીનાં લક્ષણોમાં હથેળી પીળી પડી જવી, ભૂખ ન લાગવી, અનિદ્રા વગેરે સામેલ છે. એક અહેવાલ પ્રમાણે, ઇથોપિયાની રાજધાની અદિસ અબાબામાં બેઠેલા અધિકારીઓએ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટના તમામ આરોપો નકારી દીધા છે. આ કયા પ્રકારની બીમારી છે અને એનું કારણ શું છે એ હજુ અસ્પષ્ટ છે, પણ એનાથી લોકોના જીવ જઈ રહ્યા છે. કેટલાકને આ બીમારી રાસાયણિક કચરાથી ફેલાઈ હોવાની શંકા છે. આવા કચરાને કારણે એ વિસ્તારનો જળપુરવઠો ઝેરીલો બની ગયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. એક પીડિતે ગેસક્ષેત્રમાંથી ફેલાઈ રહેલા ઝેરી પદાર્થોને કારણે બીમારી ફેલાઈ રહી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલમાંથી દરદીઓને બીમારીનો કોઈ ઇલાજ ન હોવાનું કહી રજા આપવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.