કોરોના પછી જળ સંકટનો ખતરો, રાજ્યના જળાશયોમાં ૫૦ ટકા જ પાણીનો જથ્થો

 

ગાંધીનગરઃ રાજયમાં હાલમાં માત્ર ૪૨ ટકા જ વરસાદ થયો છે. જેના પગલે ૧૪૪ તાલુકાઓમાં પણ દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગે હવે ખેતીને નુકસાન શરૂ થઈ જવા પામ્યુ છે. બીજી તરફ રાજયના જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઓછો હોવાના કારણે સિંચાઈ માટે ઓગસ્ટના અંત સુધી જ પાણી આપી શકાશે, તે પછી જળાશયોમાં રહેલો પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાશે. કોરોનાની બે લહેર પછી હવે ગુજરાતના માથે દુષ્કાળ સાથે જળ સંકટ તોળાઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં ૧,૫૨,૫૪૪ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જે ૪૫.૬૬ ટકા જેટલો થવા જાય છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૨,૪૮૯ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિત્તના ૫૦.૬૮ ટકા છે. આમ, રાજયમાં જળાશયોમાં ૫૦ ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.