કોરોના ઇફેક્ટઃ ચીનમાં છૂટાછેડાના કેસો વધ્યા

 

બીજિંગઃ કોરોના વાઇરસની ઇફેક્ટ વચ્ચે ચીનમાં છૂટાછેડાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર, ચીનના મેરેજ રજિસ્ટ્રી ઓફિસનું માનવું છે કે એવું એટલે થઈ રહ્યું છે કે કોરોના વાઇરસને કારણે કપલ ઘરમાં વધારે સમય સાથે પસાર થઈ રહ્યાં છે. કોરોના વાઇરસના સંક્રમણથી બચાવ માટે ચીને દેશના કેટલાક વિસ્તારોમાં લોક ડાઉનનું એલાન કર્યું હતું. લાખો લોકોને લગભગ મહિનાથી ઘરમાં બંધ રહેવું પડ્યું. માત્ર ઇમર્જન્સી કે અગત્યનું કાર્ય હોવા પર જ લોકોને ઘરની બહાર જવાની અનુમતિ મળી હતી. 

ચીનના સિચુઆન પ્રોવિન્સના એક મેરેજ રજિસ્ટ્રી ઓફિસના અધિકારી લુ શિજુને કહ્યું હતું કે ૨૪ ફેબ્રુઆરી બાદ ૩૦૦ કપલ છૂટાછેડા માટે એપોઇન્ટમેન્ટ લઈ ચૂક્યા છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં શિજુને કહ્યું હતું કે છૂટાછેડાના વધારે કિસ્સા સામે આવ્યા છે. લોકો ઘણો સમય ઘરે પસાર કરી રહ્યા છે. સામાન્ય વાત પર કપલ વચ્ચે ભયંકર ઝઘડા થઈ રહ્યા છે અને બાદમાં તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. 

એક ઓફિસમાં તો એક જ દિવસમાં ૧૪ કેસ આવ્યા. ફુઝોઉમાં અધિકારીઓએ મોટી સંખ્યામાં આવેદન મળ્યા બાદ એક દિવસમાં છૂટાછેડા એપોઇન્ટમેન્ટ આપવાની સીમા ૧૦ કરી દીધી. શાંઝી પ્રોવિન્સના મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસમાં પણ ડાઇવોર્સ માટે એપોઇન્ટમેન્ટ લેનારા લોકોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે લગભગ એક મહિનાથી ઓફિસ પણ બંધ થઈ ગઈ છે.