કોરોનાવાઇરસથી વિશ્વમાં મૃત્યુનો આંકડો દસ લાખને પાર

 

જીનીવા, વોશિંગ્ટનઃ કોરોના વાઇરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાથી દુનિયામાં મૃત્યુઓનો આંક દસ લાખને પાર થઈ ગયો છે જ્યારે વિશ્વભરમાં સવા ત્રણ કરોડ જેટલા લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે. 

આ નવો કોરોનાવાઇરસ સાર્સ કોવ-ટુ વિશ્વના ૨૧૦ દેશોમાં ફેલાયો છે અને ઓછામાં ઓછા ૩૨૦ લાખ લોકોને તેનો ચેપ લાગી ચુક્યો છે એમ સત્તાવાર સૂત્રો તરફથી મળેલી માહિતીઓના આધારે ભેગા કરવામાં આવેલા આંકડાઓ જણાવે છે. જો કે આટલા ચેપમાંથી ઘણા લોકો સાજા પણ થઇ ગયા છે. 

અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં ઘણા બધા લોકો ચેપ લાગ્યા પછી આ રોગમાંથી સાજા થઇ ગયા છે, જો કે આ દેશોનો મૃત્યુઆંક પણ વધારે છે. અત્યારે કોવિડ-૧૯ના રોગચાળાથી વિશ્વમાં સૌથી અસરગ્રસ્ત દેશ અમેરિકા છે, જ્યારે બીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ ભારત છે. દસ લાખના મૃત્યુઆંકનો આ આંકડો એના બીજા દિવસે આવ્યો છે જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)એ ચેતવણી આપી હતી કે આ રોગ માટેની અસરકારક રસી શોધાય તેના પહેલા દુનિયાભરમાં આ રોગથી વીસ લાખ લોકોના મૃત્યુ થઇ શકે છે. 

ચીનના વુહાનમાં ગયા વષર્ના ડિસેમ્બરમાં આ રોગચાળો શરૂ થયો અને ધીમે ધીમે વિશ્વભરમાં ફલાયો તેને નવ મહિના પુરા થઇ ગયા છે ત્યારે ૭૦ લાખ જેટલા કસો સાથે અમેરિકા વિશ્વમાં ટોચ પર છે જ્યારે આ વાઇરસના ચેપના સાઠ લાખ જેટલા કસો સાથે ભારત બીજા ક્રમે છે. બ્રાઝિલ ત્રીજા ક્રમે ધકેલાઇ ગયું છે. આ ઉપરાંત ઇટાલી, સ્પેન, બ્રિટન જેવા યુરોપિયન દેશોમાં પણ કોવિડ-૧૯નો રોગચાળો ઘણો ફેલાયો હતો જે કાબૂમાં આવી ગયા બાદ હવે યુરોપમાં શિયાળો શરૂ થઇ રહ્યો છે ત્યારે યુરોપિયન દેશોમાં આ રોગચાળાનું બીજું મોજું શરૂ થઇ રહેલું જણાય છે.