કોરોનાનો ભયંકર પ્રકોપ, છેલ્લા ૨૪ કલાકમાં રાફડો ફાટ્યો, કુલ કેસ ૫૧ લાખથી વધુ

 

નવી દિલ્હીઃ કોરોનાનો વ્યાપ દેશમાં સતત વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના કેસ ૫૧ લાખને પાર થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૯૭,૮૯૪ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના કેસનો આંકડો ૫૧,૧૮,૨૫૪ પર પહોંચ્યો છે. જેમાંથી ૧૦,૦૯,૯૭૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. ૪૦,૨૫,૦૮૦ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. એક જ દિવસમાં ૧૧૩૨ લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૮૩,૧૯૮ પર પહોંચ્યો છે. 

મહારાષ્ટ્રમાં તો હાલત એવી થઈ રહી છે કે હોસ્પિટલોમાં હવે ઓક્સિજનની અછત સર્જાવા લાગી છે. વધતી માગણીના કારણે રાજ્યમાં કેટલાક સ્થળોએ મોત પણ થવા લાગ્યા છે. હિંગોલી જિલ્લાના સંજય અંભોરેએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો. આ બાજુ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી દાવો કરે છે કે હાલ કોઈ પણ જિલ્લામાં ઓક્સિજનની કમી નથી. 

દેશમાં એવાં પાંચ રાજ્યો છે જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્રનો નંબર પ્રથમ છે. અહીં ૨૪ કલાકમાં ૨૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા. રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧૧,૨૧,૨૨૧ થઈ ગયો છે. આંધ્ર પ્રદેશમાં પણ ૮૮૩૫ નવા કેસ નોંધાયા છે. કુલ કેસ ૫,૯૨,૭૬૦ થયા છે. તામિલનાડુ, કર્ણાટક અને ત્યારબાદ યુપીનો નંબર આવે છે. જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીની સ્થિતિમાં પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૪,૪૭૩ નવા કેસ નોંધાયા. આ સાથે કુલ સંખ્યા ૨,૩૦,૨૬૯ થઈ છે. વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ૯થી ૧૨માં ધોરણના ક્લાસ ૨૧ સપ્ટેમ્બરથી શરૂ  કરવા માટે કહ્યું તું જેના પર સરકારે હાલ રોક લગાવી છે.