કોરોનાનો કહેરઃ યુરોપ માટે અમેરિકાના દરવાજા બંધઃ ડોનાલ્ડ ટ્રમ્પ

 

વોશિગ્ટનઃ ચીનથી ફેલાયેલા ઘાતક કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે અમેરિકાએ આકરો નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ખતરનાક વાઇરસથી બચવા માટે યુરોપ પર નવા ટ્રાવેલ પ્રતિબંધોની જાહેરાત કરી છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટીવી પર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે યુરોપની તમામ યાત્રા આવનારા ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાશે. તેમણે કહ્યું હતું કે ‘મજબૂત પરંતુ જરૂરી’ પ્રતિબંધ બ્રિટન પર લાગુ થશે નહિ, જ્યાં અત્યાર સુધીમાં આ વાઇરસના ૪૬૦ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. 

અમેરિકા પણ આ વાઇરસના ફેલાવાથી બચી શક્યું નથી અને અત્યારસુધીમાં ૩૮ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોના વાઇરસના ૧૧૩૫ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. દિગ્ગજ અભિનેતા ટોમ હૈંક્સને પણ કોરોના વાઇરસ થયો છે. 

ટ્રમ્પે કહ્યું હતું કે આ વાઇરસ સાથે જોડાયેલા નવા કેસને આપણા દેશમાં પ્રવેશ કરવાથી રોકવા માટે આપણે આવનારા ૩૦ દિવસ માટે યુરોપથી અમેરિકાની તમામ યાત્રાને સસ્પેન્ડ કરી દઈશું. નવો નિયમ શુક્રવાર અડધી રાતથી લાગુ થશે. ટ્રમ્પે ટ્વીટ કર્યું- ‘મીડિયાએ એને એકતા અને તાકાતના સમયના રૂપમાં જોવું જોઈએ. આપણી પાસે એક સામાન્ય દુશ્મન છે, દુનિયાનો દુશ્મન- કોરોના વાઇરસ. આપણે એને ઝડપથી ને સુરક્ષિત રીતે હરાવી દેવો જોઈએ. અમેરિકન નાગરિકોનાં જીવન-સુરક્ષાથી વધુ અગત્યનું મારા માટે કંઈ જ નથી.’