કોરોનાને લગતા નિયંત્રણો રાજ્યો ધીમે ધીમે ઉઠાવે : કેન્દ્ર

 

નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું હતું કે કોરોના વાઇરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે કન્ટેનમેન્ટના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત રાખીને નિયંત્રણો ધીમે ધીમે કાળજીપૂર્વક ઉઠાવીને છૂટછાટો આપવી જોઇએ. ૨૮મી જૂને રાજ્યો અને સંઘ પ્રદેશોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે સમાનતા લાવવા માટે, રોગના બોજા અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તાણના આધારે નિયંત્રણો લાદવા કે પછી છૂટછાટો આપવી એ અગત્યનું બની રહે છે.

ભૂષણે રાજ્યો દ્વારા અમલી કરવાની જરૂર છે એ લક્ષિત પગલાંઓની યાદી આપી હતી જેમાં, નિયમિત રીતે જિલ્લાઓમાં કેસો પર દેખરેખ રાખવા અને કન્ટેનમેન્ટ અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે જિલ્લામાં પોઝિટિવિટી રેટ સેમ્પલ ટેસ્ટ થયા એ સામે નોંધાયેલા પોઝિટિવ કેસ એ ચેપના ફેલાવાનો મુખ્ય સંકેત છે. 

એવી જ રીતે દરેક જિલ્લાએ બેડ ઑક્યુપન્સી અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું વિશ્લેષણ કરવાની જરૂર છે જેથી દર્દીઓને સરળતાથી દાખલ કરી શકાય. બેડ ઑક્યુપન્સી વધારે હોવાથી જિલ્લાએ ઉપલબ્ધ બેડ્સ અપગ્રેડ કરવાની જરૂર રહે છે અને સાથે જ કન્ટેનમેન્ટને પણ આક્રમકતાથી અનુસરવાનું છે. પોઝિટિવિટી રેટ અને બેડ ઑક્યુપન્ન્સી વધારે ધરાવતા જિલ્લાઓ માટે રાજ્ય વડામથકેથી એક સિનિયર અધિકારીને આવા જિલ્લાઓ માટે નોડલ ઑફિસર તરીકે નિમવા પણ કહેવાયું છે. આ જિલ્લા નોડલ અધિકારી, નવા કેસોના ક્લસ્ટરને ઓળખી કાઢવા જિલ્લા કલેક્ટર/મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલનમાં કામ કરશે.