કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ માંડ માંડ કાબૂમાં આવ્યા અને બધાની નજર કોરોનાની રસી પર હતી એવામાં ગત અઠવાડિયામાં વિશ્વભરમાં કોરોનાના ત્રણ નવા પ્રકાર જોવા મળ્યા. પહેલો પ્રકાર યુકે, બીજો દક્ષિણ આફ્રિકા, ત્રીજો નાઇજિરિયામાં જોવા મળ્યો. આ સમાચારોથી વિશ્વભરમાં ચિંતાઓ વધી ગઇ. એમાંય વધુ ચિંતાજનક સમાચાર મંગળવારે યુકેથી ભારત આવેલા ૬ કોરોના પોઝિટિવ મુસાફરોમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઇ છે. પણ સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, કોરોનાની વેક્સિન નવા સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. લોકોએ નવા સ્ટ્રેનથી ડરવાની જરૂર નથી. 

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. કે વિજય રાઘવને મંગળવારે પત્રકાર પરિષદ કરી કહ્યું કે, વેક્સિન યૂકે અને દક્ષિણ આફ્રિકામાં મળનાર સ્ટ્રેન વિરુદ્ધ કામ કરશે. તેના કોઈ પુરાવા નથી કે વર્તમાન વેક્સિન આ કોરોનાના સ્ટ્રેનથી બચાવવામાં નિષ્ફળ રહેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, યૂકે સ્ટ્રેનના સમાચાર આવ્યા પહેલા, અમે પ્રયોગશાળામાં લગભગ ૫,૦૦૦ જીનોમ વિકસિત કર્યા હતા. હવે અમે તે સંખ્યામાં વધુ વૃદ્ધિ કરીશું.

પત્રકાર પરિષદમાં હાજર  ત્ઘ્પ્ય્ના ડીજી પ્રોસેફર બલરામ ભાર્ગવે કહ્યુ કે, તે મહત્વપૂર્ણ છે કે આપણે વાઇરસ પર વધુ ઇમ્યૂન પ્રેશર ન કરીએ. આપણે એવી થેરાપીનો પ્રયોગ કરવો પડશે જે લાભ આપનારી છે. જો ફાયદો નહીં થાય તો આપણે તે ઉપચારોનો ઉપયોગ ન કરવો જોઈએ બાકી તે વાઇરસ પર પ્રેશર નાખશે અને તે વધુ મ્યૂટેટ કરશે. નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યું કે, નવા સ્ટ્રેને ઘણા દેશોની યાત્રા કરી છે. તેવામાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. વાઇરસનો પ્રસારને દબાવવો સરળ છે, કારણ કે ટ્રાન્સમિશનની ચેઇન નાની છે. તેમણે કહ્યું કે, વિદેશથી આવનારા ૨૦માંથી એક યાત્રીનો યૂકે સ્ટ્રેનનો ટેસ્ટ કરવામાં આવશે.

રાજેશ ભૂષણે કહ્યું કે આપણે કોરોના સામેના યુદ્ધમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. છ મહિના પછી હવે કોરોનાના દૈનિક કેસો ઘટીને ૧૭ હજાર કરતા પણ ઓછા થઈ ગયા છે અને દૈનિક મોતના આંકડા પણ ૩૦૦ પર આવી ગયા છે. તેમણે ઉમેર્યુ કે ૫૫ ટકા કેસોમાં મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોય છે અને આ સિવાય મૃતકોમાં ૭૦ ટકા પુરુષો હતા.