કોરોનાની ત્રીજી લહેર તહેવારોની સિઝનમાં આવવાની આશંકા …

 

     કોરોનનીની ત્રીજી લહેર આવવાની ઊંડી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી લહેરની શરૂઆત પણ આ રીતે તહેવારોની સિઝનમાં થઈ હતી. ગત વરસે માર્ચ મહિનામાં હોળીના ઉત્સવ બાદ કોરોનાના કેસ અચાનક વધવા માંડ્યા હતા. એક- દોઢ મહિનામાં બીજી લહેરે એવી ગતિ પકડી લીધી હતી કે, આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો. કયાંક ઓકિસજનની તંગી ઊભી થઈ હતી, તો કયાંક દવાઓની કમી વરતાઈ હતી. હોસ્પિટલોમાં પથારીઓની કમી વરતાતી હતી, તો હજારો લોકો સારવાર માટે ફૂટપાથ પર આવીને પડી રહેતા હતા. તેમનો ઈલાજ કરવા માટે કોઈ ઉપલબ્ધ નહોતું. હવે બીજી લહેર કાબુમાં આવી છે, તો તહેવારોને કારણે લોકોની તંદુરસ્તી માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. નવરાત્રિ, દશેરા, દિવાળીના ઉત્સવો સાર્વજનિક તહેવારો છે. આવા ઉત્સવોમાં લોકો સામૂહિક રીતે ઉજવણીમાં ભાગ લેતાં હોય છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન  ન થાય, લોકો ગાઈડલાઈન તોડે તો તેમને વાયરસનો ચેપ લાગવાની સંભાવના છે. એમ્સના ડિરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ  ખાસ નિર્દેશ આપ્યો હતો કે, લોકોએ આ તહેવારોના દિવસોમાં ખાસ તકેદારી રાખવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને રોકવા માટે કોવિડને અટકાવવાના પગલાં સહુ કોઈને લેવાં પડે. હાઉસના પ્રેસ સચિવ જેન સાર્કોએ જણાવ્યું હતું કે,  આપણે સહુએ એ વાત સમજવી પડશે કે, આ વાયરસ હજી ગયો નથી. આ વાયરસ તક શોધી રહ્યો છેકે, તે કઈ રીતે એક વ્યક્તિમાંથી  બીજી વ્યક્તિ માં પ્રવેશ કરે. બીજી વ્યક્તિનું ઈન્ફેકશન ન લાગે તે માટે માસ્ક પહેરી રાખવો તેમજ જરૂરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે. આપણે હાથ નિયમિત રીતે ધોવાં જોઈએ તેમજ ભીડમાં જવું ન જોઈએ, તેમજ સ્વચ્છતા રાખવી જોઈએ.