કોરોનાની ત્રીજી લહેરમાં ૨.૫૫ લાખ કેસ, એકટ્વિ કેસ ૨૨.૩૬ લાખ

 

નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં સતત પાંચ દિવસ સુધી એક દિવસમાં ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા પછી પહેલી વખત દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે, દૈનિક મોતના આંકડા હજુ પણ ચિંતાજનક છે. દેશમાં કોરોનાના નવા ૨.૫૫ લાખ કેસ નોંધાયા હતા, જ્યારે વધુ ૬૧૪ દર્દીઓનાં મોત સાથે મૃત્યુઆંક વધીને ૪.૯૦ લાખ થયો હતો. કોરોનાના એક્ટિવ કેસ પણ ઘઠીને ૨૨.૩૬ લાખ થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૧૬૨ કરોડ ડોઝ અપાયા છે.

ભારતમાં ત્રીજી લહેરમાં પહેલી વખત કોરોનાના દૈનિક કેસની સરખામણીમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. દેશમાં દૈનિક સંક્રમણના દરમાં પણ લગભગ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૫,૮૭૪ કેસ નોંધાયા હતા, જ્યારે ૨,૬૭,૭૫૩ દર્દી સાજા થયા છે. એ જ રીતે એક્ટિવ કેસમાં ૧૨,૪૯૩નો ઘટાડો નોંધાયો હતો અને હાલમાં એક્ટિવ કેસ ૨૨,૩૬,૮૪૨ થયા છે.

જોકે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૬૧૪ લોકોનાં મોત થયા હતા, જેમાં કેરળમાં સૌથી વધુ ૧૭૧, તામિલનાડુમાં ૪૬ અને પંજાબમાં ૪૫ લોકોનાં મોતનો સમાવેશ થાય છે. દૈનિક સંક્રમણ દર ૧૫.૫૨ ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર ૧૭.૧૭ ટકા રહ્યો હતો, જે એક દિવસ પહેલાં દૈનિક સંક્રમણ દર ૨૦.૭૫ ટકા હતો.

સિક્કિમ સરકારે રાજ્યમાં આવનારા માટે નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજિયાત બનાવી દીધો છે. આ રિપોર્ટ પણ રાજ્યમાં પ્રવેશ્યાના ૭૨ કલાક પહેલાંનો હોવો જોઈએ. કોવિન પોર્ટલ મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના ૧૬૩.૪૯ કરોડ ડોઝ અપાયા છે, જેમાં ૯૩.૪૦ કરોડને પહેલો, ૬૯.૧૯ કરોડને બીજો અને ૮૯.૮૨ લાખને ત્રીજો (પ્રિકોશનરી) ડોઝનો સમાવેશ થાય છે.

કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૫૫,૭૪૫ કેસ નોંધાયા હતા જ્યારે ૩૦,૨૨૬ દર્દી સાજા થયા હતા અને વધુ ૭૦ દર્દીનાં મોત થયા છે. દેશમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા તે દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ ઘટ્યા છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬,૦૨૮ કેસ નોંધાયા હતા, જ્યારે ૩૧ લોકોના મોત થયા છે. મુંબઈમાં નવા ૧૮૧૫ કેસ સામે આવ્યા હતા જ્યારે ૭૫૩ દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૩૩,૯૧૪ કેસ નોંધાયા છે, જ્યારે ૩૦,૫૦૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં વધુ ૮૬ લોકોનાં મોત થયા છે અને કુલ એક્ટિવ કેસ ૩,૦૨,૯૨૩ થયા છે.