કોરોનાના હાહાકાર વચ્ચે મિત્ર દેશો ભારતની વહારે

 

નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બનતાં સંકટ ગંભીર હદે વકર્યું છે, ત્યારે ફ્રાન્સ, બ્રિટન, અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાંથી ભારતને ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની મદદ મોકલવાનું શરૂ થઇ ગયું છે. 

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે અમે ભારતની સાથે છીએ અને ત્રણસોથી વધુ ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત ૬૦૦ તબીબી ઉપકરણ ભારતને મોકલી રહ્યા છીએ. પહેલો જથ્થો મંગળવારે દિલ્હી પહોંચી જશે. સિંગાપોરે પણ મોકલેલા ૫૦૦ બાયપેપ, ૨૫૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત તબીબી જથ્થો મુંબઇ પહોંચી ગયો છે, એ જ રીતે સંયુકત આરબ અમીરાતે હાઇ કેપેસિટી ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર મોકલ્યાં છે. 

યુએઇના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયેદે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર ચર્ચા કરીને દરેક સંભવ મદદની ખાતરી આપી હતી. સાઉદ અરેબિયાએ ચાર ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર અને ૮૦ મેટ્રિક ટન ઓક્સિજન મોકલવાની તૈયારી કરી લીધી છે. સાઉદીથી ઓક્સિજનની પહેલી ખેપ રવાના થઇ ચૂકી છે અને મુંદ્રા બંદરે પહોંચી રહી છે, તેવું આ પરિવહનમાં સહયોગી અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. 

બીજી તરફ અમેરિકાએ પણ કોવિશિલ્ડ રસીનાં ઉત્પાદન માટે ભારતને કાચો માલ પહોંચાડી કામમાં ગતિ લાવવામાં મદદની તૈયારી કરી લીધી છે. સાઉદી અરેબિયા તરફથી લિંડે કંપનીની મદદથી પાંચ હજાર ઓક્સિજન સિલિન્ડર મોકલાયાં છે, જે જલ્દી ભારતની હોસ્પિટલોમાં પહોંચાડાશે. 

દરમ્યાન જર્મનીના વાઇસ ચાન્સેલર એંજેલા મર્કેલે પણ કહ્યું હતું કે, ભારતની મદદ માટેની તૈયારી થઇ ચૂકી છે. તો ફ્રાન્સ પણ ટૂંક સમયમાં ઓક્સિજન, વેન્ટિલેટર મોકલશે.