કોરોનાના રસીકરણ માટે પ્રત્યેક નાગરિકને ડિજિટલ હેલ્થ ID કાર્ડ આપશે : નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના કેસ ૭૬ લાખની આસપાસ પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કેસ ૪,૦૬,૫૭,૭૮૦ પર પહોંચી ગયો છે. ભારતમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા ૬૭,૩૦,૬૧૭ છે. જ્યારે કોરોનાથી મોત પામેલા દર્દીઓનો આંક ૧,૧૫,૨૫૨ પર પહોંચી ગયો છે. વિશ્વની વાત કરીએ તો ૧,૧૨૩,૧૨૭ લોકો અત્યાર સુધી કોરોનાનો ભોગ બન્યા છે. ૩૦,૩૬૧,૭૦૮ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.

એક બાજુ દેશના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનના કહેવા પ્રમાણે ભારતમાંથી ફેબ્રુઆરી મહિના સુધીમાં કોરોના સંપૂર્ણપણે દૂર થઇ જશે. તો બીજી બાજુ નિષ્ણાતોનું કહેવું છે કે પૂરતી કાળજી રાખવામાં નહીં આવે તો તહેવારોની આ ઋતુમાં દેશમાં કોરોના વાઇરસના ચેપના કેસોમાં મોટો ઉછાળો આવી શકે અને શિયાળામાં દેશમાં આ રોગચાળાનું બીજું મોજું પણ આવી શકે. અલબત્ત, આવું નહીં થાય તો આવતા વર્ષની શરૂઆતમાં આ રોગચાળા પર ઘણે અંશે અંકુશની આશા આ નિષ્ણાત સમિતિએ વ્યક્ત કરી હતી.

સરકાર દ્વારા નિમવામાં આવેલી આ નિષ્ણાત સમિતિએ જણાવ્યું છે કે હાલમાં કેસો ઘટી ગયા છે પણ જો તહેવારોમાં કાળજી નહીં રાખવામાં આવે તો કેસોમાં મોટો ઉછાળો આવી શકે છે. દેશમાં નવા કોરોના વાઇરસના કેસો અને મૃત્યુ છેલ્લા ત્રણ સપ્તાહમાં ઘટી ગયા છે, જ્યારે આ રોગચાળાનો ફેલાવો ઘણા રાજ્યોમાં સ્થિર થઇ ગયો છે, એમ નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું, પરંતુ તે સાથે તેમણે શિયાળાની ઋતુમાં ચેપના બીજા મોજાની શક્યતા નકારી ન હતી. જેઓ દેશમાં રોગચાળાને હાથ ધરવાના પ્રયાસોનું સંકલન કરતી નિષ્ણાત સમિતિના વડા છે તેવા પૌલે કહ્યું હતું કે એક વખત કોવિડ-૧૯ની રસી ઉપલબ્ધ થઇ જશે, પછી તેને નાગરિકો સુધી પહોંચતી કરવા માટેના પૂરતા સ્ત્રોતો પણ ઉપલબ્ધ હશે. ભારતમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી નવા કોરોના વાઇરસના કેસો અને મૃત્યુનો આંકડો ઘટી ગયો છે અને રોગચાળો મોટા ભાગના રાજ્યોમાં સ્થિર થઇ ગયો છે.

આ સિવાય હવાનું પ્રદુષણ કોરોના વાઇરસનું સંક્રમણ વધારી શકે છે અને લોકોને ચેપ લાગવાનો ભય વધી જઇ શકે અને કોવિડ-૧૯ની બાબતમાં સ્થિતિ બગડી શકે એમ પણ નિષ્ણાતોએ જણાવ્યું છે, આ સાથે તેમણે એવી પણ ચેતવણી આપી છે કે ભૂતકાળમાં જેમને ચેપ લાગ્યો હતો તેઓ પણ નવા પડકારોનો સામનો કરી શકે છે. પ્રદૂષણ વધતા જ કોવિડ-૧૯ના સંક્રમણનો ભય પણ વધશે. ડોકટરો કહે છે કે પ્રદૂષણ વધવાથી ઇન્ફ્લુએન્ઝા જેવા શ્વસનતંત્રના વાયરલ રોગોમાં વધારો થાય છે, આ જ બાબત કોવિડ-૧૯ને પણ લાગુ પડી શકે છે.

એવામાં વડા પ્રધાને જાહેરાત કરી છે કે કોરોનાની રસી આવે તે પહેલા દેશના દરેક નાગરિકને ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવાશે. આ કાર્ડ જે તે વ્યક્તિના હેલ્થ રિપોર્ટ તરીકે કામ કરશે. અને તેના આધારે દેશમાં કોરોનાનું રસીકરણ હાથ ધરાશે. સોમવારે ગ્રાંડ ચેલેન્જીસ એન્યુઅલ મિટીંગ ૨૦૨૦માં ભાષણ આપતી વખતે વડા પ્રધાને આ જાહેરાત કરી હતી. ભારતના એક એક રાજ્યમાં યુરોપના દેશ જેટલી વસ્તી હોવા છતાં ભારતમાં મૃત્યુદર સૌથી નીચો અને રિકવરી રેટ સૌથી ઊંચો ૮૮% છે. તેમણે કહ્યું કે આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે ભારતે કડક લોકડાઉન પાળ્યું હતું અને મોટા પ્રમાણમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ હાથ ધર્યા છે.