કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોમે દુનિયાભરના રાષ્ટ્રોની ચિંતા વધારી દીધી છે…

 

 કોરોનાની મહામારી જગતના માનવી નો પીછો કયારે છોડશે એ જ મોટી ચિંતા છે. કોરોનાને નાથવાના પ્રયાસો દુનિયાભરના દેશોમાં થઈ રહ્યા છે. કોરોનાની રસી ઉપલબ્ધ થયા બાદ શક્ય હોય તે તમામ નાગિરકોને રસી આપવાની કામગીરી હજી ભારત સહિત અનેક દેશોમાં ચાલી રહી છે. બુસ્ટર ડોઝ પણ લોકોને સત્વરે આપી રહ્યા છે. આમ છતાં રોજબરોજ અવનવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા  છે. રસીકરણ પછી પણ લોકને કોરોના થયો હોવાના પણ અનેક ઉદાહરણો મળ્યા છે. જગતના ઉચ્ચ કોટી ના સંશોધકો અને તબીબી નિષ્ણાતે કોરોના મહામારીના સકંજામાંથી લોકોને મુક્ત કરાવવા રાત- દિવસ પ્રયાસો કરી રહ્યા છે. આવા સંજોગોમાં હવે નવા ચિંતા દાયક સમાચાર મળ્યા છે. દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોનાના નવા વેરિયેન્ટે દેખા દીધી છે. ફ્રાન્સમાં પણ કોરોનાના નવા વેરિયેન્ટની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાના નવા મામલાને કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આગામી માર્ચ- એપ્રિલ સુધીમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે એવી શક્યતા છે. WHOએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, નવા કોરોના વેરિયેન્ટ એમિક્રોનનું  વૈશ્વિક સ્તર બહુ વધારે છે. નવો વેરિયેન્ટ કેટલો સંક્રમક અને ખતરનાક છે તેને લઈને હજી અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. નવો વેરિયેન્ટ સૌથી પહેલા 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં મળ્યા બાદ બોત્સવાના, બેલ્જિયમ હોંગકોંગ, ઈઝરાયેલ, બ્રિટન ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક ,  તેમજ નેધરલેન્ડમાં પણ દેખાયો છે. તેની ઓળખ કરવામાં આવી છે. 

 WHOના વડા ડો. ટેડ્રોસ ગેબ્રિયસને એવી ચેતવણી ઉચ્ચારી હતી કે, વેકસીનેશન તેમજ ટેસ્ટના આંકડા ઓછા હશે તો ભવિષ્યમાં કોરોનાના નવા અનેક વેરિયન્ટ પ્રગટ થવાની સંભાવના છે. તેમણે દુનિયાભરના  દેશોને અપીલ કરી હતી કે, તેઓ ગરીબ દેશોને મદદ કરે તેમજ તેમને જરૂરી વેકસીન અને અન્ય સાધનો જેમ બને તેમ જલ્દી ઉપલબ્ધ કરાવે. રસીકરણની ઝડપ જેટલી વધશે તેનાથી જ નવા વેરિયેન્ટને કાબૂમાં લઈ શકાશે. એ સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. WHOએ એક રાહતભર્યા સમાચાર પણ આપ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું છેકે, ઓમિક્રોન સંબંધિત આજ દિન સુધી કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, આ નવા વેરિયેન્ટને કારણે કોરોના વેકસીનની અસરકારકતા ઘટવાના કોઈ પૂરાવા મળ્યા નથી. જો કે ઉપરોક્ત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓમિક્રોન વેરિયેન્ટ ખૂબ ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે એ વાતની પુષ્ટિ કરી છે. આ વેરિયેન્ટ પરીથી વ્યાપક સ્તરે ફેલાય તો શું હાલત થશે એવાતથી અત્યારે સમગ્ર વશ્વ ચિંતામાં મૂકાયું છે.