કોરોનાના દર્દીઓને સાજા કરતી, કોરોનાને મટાડનારી પતંજલિ યોગપીઠ દ્વારા બનાવવામાં આવેલી દવા- કોરોનિલના પ્રચાર પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો …

 

        કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ યોગપીઠ કંપની દ્વારા બનાવવામાં આવેલી કોરોનાને મટાડવાનો દાવો કરતી દવાઓ પર હાલ પ્રતિબંધ મૂકી દીધો હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આયુષ મંત્રાલયે પતંજલિ ને સ્પષ્ટ આદેશ આપ્યો છેકે, જયાં સુધી દવાઓનું યોગ્ય રીતે પરીક્ષણ ન થાય ત્યાં સુધી એનો પ્રચાર, જાહેરાતો અને પ્રસાર અટકાવી દેવામાં આવે. યોગગુરુ બાબા રામદેવે મંગળવારે કોરોના મટાડવાનો દાવો કરતાં કોરોનિલ દવાને લોન્ચ કરી હતી. તેમણે એવો દાવો કર્યો છેકે, માત્ર સાત દિવસમાં જ આ દવા કોરોનાને મટાડી શકે છે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, દવાના પ્રસાર- પ્રચાર પર પ્રતિબંધ મૂકાયા છતાં જો એનો પ્રચાર કે વિજ્ઞાપનો ચાલુ રાખવામાં આવશે તો એની સામે કાનૂની પગલાં લેવામાં આવશે. આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આવી કોઈ દવા બનાવી હોવાનું અને એની ટ્રાયલ  લેવામાં આવી હોવા બાબત પતંજલિ તરફથી કોઈ જાણકારી મંત્રાલયને આપવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલયની અનુમતિથી કેટલીક આયુર્વેદિક દવાઓનો કોરોનાની સારવાર દરમિયાન ટ્રાયલ તરીકે ઉપયોગ કરાય છે, પરંતુ એમાં પતંજલિનો સમાવેશ થતો નથી.